સુરત, 30 નવેમ્બર(હિ. સ.)-સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી.
આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ કંકાલ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં 27 જેટલા કામદારો દાઝ્યા છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાઝી જતા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે.
આ અંગે સુરત પોલીસ DCPએ જણાવ્યું હતું કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ગુમ હતા. જેમાં કંપનીમાંથી આજરોજ સાત માનવ કંકાલ મળ્યાં છે. આ કંકાલોને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
મૃતકની યાદી: દિવ્યેશકુમાર પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનત કુમાર મિશ્રા, દર્મેન્દ્ર કુમા, ગણેસ પ્રસાદ, સુનીલ કુમાર, અભિષેક સિંહ.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
