અમરેલી, 10 ઓક્ટોબર (હિ.સ.) વિકાસ સપ્તાહના અંતર્ગત અમરેલી મુકામે ‘ઉદ્યોગ સાહસિકતા દિવસ’ની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા સ્તરના અધિકારીઓ, ઉદ્યોગકારો અને યુવા સાહસિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ અવસરે નવા ઉદ્યોગો શરૂ કરવા ઇચ્છુક યુવાનોને પ્રોત્સાહિત કરવા સાથે, સરકારની વિવિધ સહાય અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી.
અમરેલી જિલ્લામાં વેપાર અને ઉદ્યોગોના વિકાસને વેગ આપવા માટે ચાલી રહેલી વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ચાલુ વર્ષ દરમ્યાન કુલ ૨૭૭ લાભાર્થીઓને રૂ. ૨૩૪ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ સહાયના કારણે અનેક યુવાનોને સ્વરોજગારના અવસર મળી રહ્યા છે અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થઈ રહ્યું છે.
કાર્યક્રમમાં પ્રાદેશિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકતા માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, પરંતુ સામાજિક સશક્તિકરણનું પણ સાધન છે. નવા યુવાનોને નવીન વિચારસરણી સાથે ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે સરકારે વિવિધ તાલીમ અને માર્ગદર્શન કાર્યક્રમો શરૂ કર્યા છે.
આ પ્રસંગે સફળ સાહસિકોને સન્માનિત કરીને તેમની સફળતાની કહાની અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની.
—————
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai
