નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ફેબ્રુઆરીના રોજ સાંજે 4:30 વાગ્યે, ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે દેશના સૌથી મોટા અને તેના પ્રકારનું પ્રથમ મોબિલિટી એક્ઝિબિશન – ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં એક કાર્યક્રમને સંબોધિત કરશે.
વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) એ ગુરુવારે, આ માહિતી આપી. તેમાં કહેવામાં આવ્યું છે કે,” ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024 સમગ્ર મોબિલિટી અને ઓટોમોટિવ વેલ્યુ ચેઈનમાં, ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. એક્સ્પોમાં પ્રદર્શનો, પરિષદો, ખરીદનાર-વિક્રેતા મીટ, રાજ્ય સત્રો, માર્ગ સલામતી પેવેલિયન અને ગો-કાર્ટિંગ જેવા જાહેર-કેન્દ્રિત આકર્ષણોનો પણ સમાવેશ થશે.”
50 થી વધુ દેશોના 800 થી વધુ પ્રદર્શકો સાથે, આ એક્સ્પો અદ્યતન તકનીકો, ટકાઉ સમાધાનો અને ગતિશીલતામાં પ્રગતિને પ્રકાશિત કરશે. આ એક્સ્પોમાં 600 થી વધુ, ઓટો કમ્પોનન્ટ ઉત્પાદકોની હાજરી ઉપરાંત 28 થી વધુ વાહન ઉત્પાદકોની ભાગીદારી જોવા મળશે. આ ઇવેન્ટમાં 13 થી વધુ વૈશ્વિક બજારોમાંથી 1000 થી વધુ બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનો, તકનીકો અને સેવાઓની સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન કરશે.
પ્રદર્શન અને પરિષદોની સાથે, ઇવેન્ટમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને સ્તરે સહયોગને સક્ષમ કરીને, ગતિશીલતાના સમાધાનો માટે, સર્વગ્રાહી અભિગમને પ્રોત્સાહન આપવા માટે પ્રાદેશિક યોગદાન અને પહેલ પ્રદર્શિત કરવા રાજ્યો માટે રાજ્ય સત્રોનો પણ સમાવેશ થશે.
