નવી દિલ્હી, 27 ડિસેમ્બર (હિ. સ.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે પ્રસાર ભારતી અને રેડિયો ટેલિવિઝન મલેશિયા (આરટીએમ) વચ્ચે પ્રસારણમાં સહકાર માટે એક એમઓયુ ને મંજૂરી આપી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંબંધમાં 07 નવેમ્બરના રોજ એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રસારણ, સમાચારની આપ-લે અને ઓડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમોના ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવાનો સમાવેશ થાય છે. આ કરાર મલેશિયા સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોમાં નોંધપાત્ર વધારો કરશે. આ સાથે પ્રસાર ભારતી દ્વારા વિવિધ દેશો સાથે કરાયેલા એમઓયુ ની કુલ સંખ્યા વધીને 46 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, પ્રસાર ભારતી રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને દેશ અને વિદેશમાં દરેકને અર્થપૂર્ણ અને સચોટ સામગ્રી પ્રદાન કરવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરે છે. આ એમઓયુ અન્ય દેશોમાં સામગ્રીનું વિતરણ કરવા, આંતરરાષ્ટ્રીય બ્રોડકાસ્ટર્સ સાથે ભાગીદારી વિકસાવવા અને નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે નવી વ્યૂહરચનાઓ શોધવામાં મહત્વપૂર્ણ રહેશે. આ કરારનો ઉદ્દેશ્ય સંસ્કૃતિ, શિક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત, સમાચાર અને અન્ય ક્ષેત્રોમાં કાર્યક્રમોની આપ-લે કરવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / દધીબલ / માધવી
