
નવી દિલ્હી, 31 ઓક્ટોબર : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે, દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે, ભારતને અખંડ અને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મંગળવારે દિલ્હીમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવતી વખતે શાહે કહ્યું કે, આપણે સરદારના સપનાના ભારતનું નિર્માણ કરવાનું છે. આપણે દરેક પરિસ્થિતિમાં દેશને એકજૂટ રાખવાનો છે અને દેશને દરેક ક્ષેત્રમાં મજબૂત બનાવવાનો છે.
શાહે કહ્યું કે, અંગ્રેજોએ આ દેશના ટુકડા કરવાનું કાવતરું ઘડ્યું હતું, પરંતુ સરદાર પટેલે તેને તૂટવા ન દીધું. જ્યારે અંગ્રેજો દેશ છોડીને ગયા, ત્યારે આપણે 550 થી વધુ રજવાડાઓમાં વહેંચાઈ ગયા હતા, પરંતુ થોડા જ દિવસોમાં સરદાર પટેલે આ રજવાડાઓને એક કરી ભારત માતાનો સુંદર નકશો બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
શાહે દિલ્હીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર આયોજિત રન ફોર યુનિટીને લીલી ઝંડી આપી હતી. આ દરમિયાન તેમણે રેસમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોને રાષ્ટ્રીય એકતાના શપથ પણ લેવડાવ્યા હતા.
