નવી દિલ્હી, 06 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતાઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શનિવાર) સાંજે ગાઝિયાબાદમાં બીજેપી રોડ શોમાં ભાગ લેશે. ભાજપે અહીંથી અતુલ ગર્ગને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે.
ગર્ગે કહ્યું કે, વડાપ્રધાનના રોડ શો માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે ગાઝિયાબાદ મતવિસ્તારના લોકોને રોડ શો જોવા માટે વિનંતી કરી છે. ગર્ગે કહ્યું છે કે, તેમના માટે ખુશીની વાત છે કે, વડાપ્રધાન તેમના આશીર્વાદ આપવા માટે આજે સાંજે ગાઝિયાબાદ પહોંચી રહ્યા છે.
ગાઝિયાબાદ પોલીસે વડાપ્રધાન મોદીના રોડ શો અને સુરક્ષાને લઈને વ્યાપક તૈયારીઓ કરી છે. ફ્રેમવાળા પોસ્ટર અને બેનરો સાથે રોડ શોમાં જવા પર પ્રતિબંધ છે. વડાપ્રધાન સાંજે ગાઝિયાબાદમાં ભાજપના ઉમેદવાર અતુલ ગર્ગના સમર્થનમાં આંબેડકર રોડ પર માલીવાડા ચોકથી ચૌધરી મોડ સુધી શહેરના લોકો વચ્ચે હશે. પોલીસના જણાવ્યા અનુસાર, નાગરિકોને માત્ર રસ્તાની જમણી બાજુએ આવેલી પ્રેક્ષક ગેલેરીમાં જ ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે. રોડ શો દરમિયાન કોઈપણ વ્યક્તિને વીવીઆઈપીની સમાંતર ચાલવા કે દોડવા દેવામાં આવશે નહીં.
