નવી દિલ્હી, 03 મે : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ટોચના નેતા, સૌથી મોટા સ્ટાર પ્રચારક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે દેશના બે રાજ્યો પશ્ચિમ બંગાળ અને ઝારખંડના ચૂંટણી પ્રવાસે જશે. તેઓ પહેલા પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓને સંબોધશે. આ પછી તેઓ બિરસા મુંડાની પવિત્ર ભૂમિ પર પહોંચશે અને મતદારોના આશીર્વાદ લેશે. ભાજપે તેના એક્સ હેન્ડલ પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો ચૂંટણી કાર્યક્રમ શેર કર્યો છે.
ભાજપના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદી આજે પશ્ચિમ બંગાળ ના દુર્ગાપુર માં સવારે 11 વાગ્યે, કૃષ્ણનગર માં બપોરે 12ः45 વાગ્યે અને બોલપુર માં બપોરે અઢી વાગ્યે જાહેર સભાઓને સંબોધશે. અહીંથી વડાપ્રધાન મોદી, સાંજે 5 વાગ્યે ઝારખંડના સિંહભૂમ પહોંચશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સામાન્ય ચૂંટણીમાં 400ને પાર કરવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે જોરશોરથી પ્રચાર કરીને જનતાના આશીર્વાદ મેળવી રહ્યા છે.
રાંચી બ્યુરોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે ઝારખંડની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને રાંચી, સિંહભૂમ, પલામુ અને ગુમલા જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી સાંજે 4 વાગે ચાઈબાસા પહોંચશે. સાંજે 5 વાગ્યે અહીં ગીતા કોડાની તરફેણમાં જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન સાંજે 6.30 વાગ્યે ચાઈબાસાથી સીધા રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પહોંચશે. વડાપ્રધાન મોદી, રાંચીમાં રોડ શોમાં ભાગ લેશે.
વડાપ્રધાન ભગવાન બિરસા મુંડા એરપોર્ટથી રાજભવન જશે. બિરસા મુંડા રાજપથ (હિનુ ચોક, બિરસા ચોક, ડીપીએસ ચોક, અરગોડા ચોક, ભાજપ પ્રદેશ કાર્યાલય, હરમુ ચોક, સહજાનંદ ચોક, કાર્તિક ઉરાંવ ચોક) ખાતે હજારો કતારબદ્ધ લોકો વડાપ્રધાનનું સ્વાગત કરશે. વડાપ્રધાન ભારત માતા ચોકથી વાલ્મિકી નગર, કિશોરગંજ ચોક, ગાડી ખાના ચોક, મારવાડી ભવન ગૌશાળા, ગિરધર પ્લાઝા, રતુ રોડ ચોક સુધી રોડ શો કરશે.
વડાપ્રધાન, 4 મેના રોજ સવારે 10:30 વાગ્યે પલામુ પહોંચશે. બપોરે 12 કલાકે સીસઈ જશે. તેઓ પલામુ અને સિસઈમાં જાહેર સભાઓને સંબોધશે. વડાપ્રધાન બપોરે લગભગ 2 વાગે બિરસા મુંડા એરપોર્ટથી દરભંગા જવા રવાના થશે.
