ઉત્તરકાશી, નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.) સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોના જીવ બચાવવાનું ઓપરેશન હવે અંતિમ તબક્કામાં છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, જો બધુ બરાબર રહેશે તો શુક્રવારે તમામ કામદારો, સુરક્ષિત બહાર આવી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, દરેક ક્ષણે આ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે.
ઓગર ડ્રીલીંગ મશીનના પ્લેટફોર્મ નીચે કોંક્રીટીંગ કરવાનું કામ ગઈકાલે બંધ થઈ ગયું હતું. આ રેસ્ક્યુ ઓપરેશનમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે સ્ક્વોડ્રન ઈન્ફ્રા માઈનિંગ પ્રાઈવેટ લિમિટેડના એમડી અને સીઇઑ સિરિયાક જોસેફ કહે છે કે, આ ડ્રોન ટેક્નોલોજી લેટેસ્ટ છે. આ ડ્રોન, સુરંગની અંદર જઈ શકે છે. તે એવા વિસ્તારોમાં પણ સુલભ છે, જ્યાં જીપીએસ કામ કરતું નથી.
અત્યાર સુધી, બચાવ કાર્યકરોએ સિલ્ક્યારા સુરંગ માં 46.8 મીટર ડ્રિલ કર્યું છે. હવેથી થોડા સમય બાદ બચાવ કામગીરી ફરી શરૂ થવાની ધારણા છે. ઓસ્ટ્રેલિયાના ઇન્ટરનેશનલ ટનલ એક્સપર્ટ અર્નોલ્ડ ડિક્સ કહે છે કે, અમે હવે દરવાજા પર જ ઉભા છીએ.
હિન્દુસ્થાન સમાચાર / ચિરંજીવ સેમવાલ / મુકુંદ / ડો. હિતેશ /માધવી
