નવી દિલ્હી, 17 ઓક્ટોબર : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ (જીએમઆઈએસ) 2023ની ત્રીજા સંસ્કરણ નું ઉદ્ઘાટન કર્યું. આ સાથે મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં ત્રણ દિવસીય સમિટની શરૂઆત થઈ.
આ દરમિયાન, પ્રધાનમંત્રીએ હિંદ મહાસાગર બ્લુ ઇકોનોમી માટે લાંબા ગાળાના રોડમેપ “અમૃત કાળ વિઝન 2047”નું અનાવરણ કર્યું. આ રોડમેપ બંદર સુવિધાઓ વધારવા, ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગને સરળ બનાવવાના હેતુથી વ્યૂહાત્મક પહેલોની રૂપરેખા આપે છે. આ અત્યાધુનિક યોજનાને અનુરૂપ, પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધુના મૂલ્યના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યું.
પ્રધાનમંત્રીએ ગુજરાતમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે રૂ. 4,500 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવનાર ટુના ટેકરા ઓલ વેધર ડીપ ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, વડા પ્રધાને દરિયાઈ ક્ષેત્રમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ભાગીદારી માટે રૂ. 7 લાખ કરોડથી વધુ મૂલ્યના 300 થી વધુ સમજૂતી કરાર (એમઓયુ) પણ સમર્પિત કર્યા હતા.
