નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિપશ્યના સાધના સંસ્થાના સ્થાપક એસ.એન. ગોયનકાજીની, જન્મ શતાબ્દીની ઉજવણીને સંબોધિત કરી હતી. તેમણે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે,”ધ્યાન આપણને એકતાની લાગણી સાથે જોડે છે. એકતાની લાગણી, એકતાની શક્તિ એ વિકસિત ભારતનો મુખ્ય આધાર છે. આચાર્ય એસએન ગોયનકાજીની જન્મશતાબ્દીની ઉજવણીમાં, બધાએ આ મંત્રનો આખા વર્ષ દરમિયાન પ્રચાર કર્યો છે.”
આચાર્ય ગોયનકાજીને ‘એક જીવન, એક મિશન’નું ઉત્તમ ઉદાહરણ ગણાવતા વડાપ્રધાને કહ્યું કે,” તેમની પાસે એક જ મિશન છે – વિપશ્યના. વિપશ્યના એ આખી દુનિયાને પ્રાચીન ભારતીય જીવનશૈલીની એક અદ્ભુત ભેટ છે પરંતુ આપણો આ વારસો વિસરાઈ ગયો. ભારતમાં એક લાંબો સમયગાળો હતો, જેમાં વિપશ્યના શીખવાની અને શીખવવાની કળા ધીરે ધીરે લુપ્ત થઈ રહી હતી. ગોયનકાજીએ મ્યાનમારમાં 14 વર્ષ સુધી, તપસ્યા કર્યા બાદ દીક્ષા લીધી અને પછી ભારતની આ પ્રાચીન કીર્તિ સાથે દેશ પરત ફર્યા.”
વડાપ્રધાને ગોયનકાજીના વ્યક્તિત્વને, શુદ્ધ પાણી જેવું શાંત અને ગંભીર ગણાવ્યું અને કહ્યું કે,” તેઓ એક મૂક સેવકની જેમ સાત્વિક વાતાવરણનો સંચાર કરતા હતા. તેમણે વિપશ્યનાના તેમના જ્ઞાનથી, દરેકને ફાયદો પહોંચાડ્યો અને તેથી સમગ્ર માનવતા અને વિશ્વ માટે યોગદાન આપ્યું.”
