નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિં.સ.) નાણાકીય વર્ષ 2023-24માં અત્યાર સુધી, નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 19.41 ટકાના વધારા સાથે 14.70 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. આ સમગ્ર નાણાકીય વર્ષ માટેના લક્ષ્યાંકના 81 ટકા છે. આ સમયગાળા દરમિયાન, ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 16.77 ટકાના વધારા સાથે રૂ. 17.18 લાખ કરોડ થયુ હતુ.
નાણા મંત્રાલયે ગુરુવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે,’ ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 10 જાન્યુઆરી સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 14.70 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તે જ સમયે, ગ્રોસ ટેક્સ કલેક્શન રૂ. 17.18 લાખ કરોડ રહ્યું હતું. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 16.77 ટકા વધુ છે. આ કલેક્શન વર્તમાન નાણાકીય વર્ષ માટે પ્રત્યક્ષ કરના કુલ અંદાજપત્રના 80.61 ટકા છે.’
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) અનુસાર, આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2023 થી, 10 જાન્યુઆરી 2024 સુધીમાં કરદાતાઓને 2.48 લાખ કરોડ રૂપિયા પરત કર્યા છે. સીબીડીટી અનુસાર, 10 જાન્યુઆરી 2024 સુધી કુલ ધોરણે પ્રત્યક્ષ કર વસૂલાતમાં સતત વધારો થયો છે. ગ્રોસ કોર્પોરેટ ઇન્કમ ટેક્સ (સીઆઈટી) અને પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઈટી) માં વૃદ્ધિ અનુક્રમે 8.32 ટકા અને 26.11 ટકા રહી છે. રિફંડ માટે સમાયોજિત કર્યા પછી, સીઆઈટી સંગ્રહમાં ચોખ્ખો વધારો 12.37 ટકા અને પીઆઈટી સંગ્રહ 27.26 ટકા હતો.
મંત્રાલયે કહ્યું કે,’ સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં પ્રત્યક્ષ કરમાંથી રૂ. 18.23 લાખ કરોડ મેળવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23ના 16.61 લાખ કરોડ રૂપિયા કરતાં 9.75 ટકા વધુ છે. પ્રત્યક્ષ કરમાં વ્યક્તિગત આવકવેરો અને કંપની કરનો સમાવેશ થાય છે.’
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ / સુનીત / માધવી
