નવી દિલ્હી, 2 નવેમ્બર : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે (ગુરુવારે) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) હેડક્વાર્ટરમાં હાજર થાય તેવી શક્યતા છે. તેમને દિલ્હી લિકર પોલિસીમાં થયેલા કૌભાંડના સંદર્ભમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય સિંહની દિલ્હી લિકર પોલિસીમાં કથિત કૌભાંડના કારણે ધરપકડ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં આપ નેતાઓને ડર છે કે, અરવિંદ કેજરીવાલની પણ ધરપકડ થઈ શકે છે.
દરમિયાન આજે (ગુરુવાર) સવારથી ઇડી દિલ્હી સરકારના મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડી ની વિવિધ ટીમો સવારે 6 વાગ્યાથી રાજકુમાર આનંદ સાથે સંકળાયેલા 9 સ્થળો પર દરોડા પાડી રહી છે. આ દરોડાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ અને સંભવિત ધરપકડ સાથે પણ જોડવામાં આવી રહી છે.
તે જ સમયે, સંસદની એથિક્સ કમિટીએ તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રાને પણ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ફી વસૂલવાના મામલે આજે હાજર થવાનો નિર્દેશ આપ્યો છે. જોકે મહુઆ એ થોડા દિવસો પછી હાજર થવા વિનંતી કરી હતી, પરંતુ સંસદની એથિક્સ કમિટીએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ સમય આપવાનો ઇનકાર કર્યો હતો. સૂત્રોને ટાંકીને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સાંસદના લોગિન આઈડીની વિગતો કાઢવામાં આવી હતી, જે દર્શાવે છે કે તેણે દુબઈના બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને તેનો એક્સેસ આપ્યો હતો. દુબઈમાં મહુઆ મોઈત્રાની સંસદનું સત્તાવાર આઈડી દુબઈ આઈપી એડ્રેસમાં એક કે બે વાર નહીં પરંતુ 47 વખત ખોલવામાં આવ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ તમામની નજર આજે મહુઆના હાજર થવા પર છે.
