
નવી દિલ્હી, 21 ડિસેમ્બર (હિ.સ) : 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરના આગામી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું ખૂબ ધ્યાન આકર્ષિત થયું છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આ કાર્યક્રમ માટે આમંત્રણો મળ્યા છે.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. જો કે તેઓ આ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા ઓછી છે. આ નેતાઓ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
આમંત્રણો વ્યક્તિગત રીતે ટ્રસ્ટના પ્રતિનિધિમંડળ દ્વારા વિતરિત કરવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં અન્ય વિપક્ષી નેતાઓને મોકલવામાં આવે તેવી ધારણા છે. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, વિવિધ પરંપરાઓના આદરણીય સંતો તેમજ વિવિધ ક્ષેત્રોમાં દેશના સન્માનમાં યોગદાન આપનાર અગ્રણી વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. ટ્રસ્ટે ઇવેન્ટ માટે તીર્થક્ષેત્રપુરમ (બેગ બિજૈસી) નામનું ટેન્ટ સિટી પણ સ્થાપ્યું છે, જેમાં આવશ્યક સુવિધાઓ જેવી કે ટ્યુબવેલ, રસોઇ ઘરો અને દસ પથારીવાળી હોસ્પિટલનો સમાવેશ થાય છે.
દેશભરમાંથી આશરે 150 ડોકટરો આ હોસ્પિટલમાં રોટેશનલ ધોરણે તેમની સેવાઓ પ્રદાન કરવા સંમત થયા છે. આ સમારોહમાં ભાગ લેવા માટે ટ્રસ્ટે વિવિધ સંપ્રદાયોના લગભગ 4,000 સંતોને આમંત્રણ પણ આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/ઈન્દ્રાણી સરકાર / ડો. હિતેશ/માધવી
