અયોધ્યાધામ, નવી દિલ્હી, 24 જાન્યુઆરી (હિ.સ.) 22મી જાન્યુઆરીએ શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ શ્રી રામ જન્મભૂમિ મંદિરની આસપાસ, શ્રધ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરને 23 જાન્યુઆરીથી દર્શન માટે ખોલવામાં આવ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી હજારો લોકોએ શ્રી રામલલાના દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે શ્રી રામના પાંચ લાખથી વધુ ભક્તો ભગવાનના જન્મસ્થળમાં દર્શન માટે પહોંચ્યા હતા. ભીડને જોતા હનુમાન ગઢી મંદિરની બહાર સુરક્ષા કડક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે તેમના પરિવાર સાથે દર્શન માટે પહોંચે તેવી શક્યતા છે.
દરમિયાન, શ્રી રામ ભક્તોની વધતી જતી અણધારી ભીડને કારણે સરકાર અને વહીવટીતંત્રની ચિંતા વધી ગઈ છે. ભીડ નિયંત્રણ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ અયોધ્યાધામ પહોંચવું પડ્યું હતું. તેમણે હવાઈ સર્વેક્ષણ કરીને વ્યવસ્થાની માહિતી મેળવી હતી. સુરક્ષા વ્યવસ્થા અંગે આરએએફ ના ડેપ્યુટી કમાન્ડન્ટ અરુણ કુમાર તિવારી કહે છે, ગઈકાલે લોકોએ જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેને આજે અમે સુધારવાનો પ્રયાસ કર્યો છે. અમારા લગભગ 1000 સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. આ તૈનાતી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પણ આજે અયોધ્યાધામ પહોંચે તેવી શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પરિવાર સાથે શ્રી રામ લલ્લાના દર્શન કરશે. નડ્ડાના આગમનને ધ્યાનમાં રાખીને ભાજપના રાજ્ય એકમના ઉચ્ચ અધિકારીઓ ગઈકાલે જ શ્રીરામનગરી પહોંચી ગયા છે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
