નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે,’ જનતા તેમને લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણપણે નકારી દેશે.’ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે,’ હારના ડરથી તેઓ ભારતીય લોકતંત્ર અને સંસ્થાઓ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. તેઓ સહેલાઇથી ‘નાણાકીય મુશ્કેલીઓ’ પર તેમની અપ્રસ્તુતતાનો આક્ષેપ કરી રહ્યા છે. વાસ્તવમાં તેમની નાદારી આર્થિક નથી, પરંતુ નૈતિક અને બૌદ્ધિક છે.’
કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ, જેપી નડ્ડાએ તેના આરોપોને ફગાવી દીધા અને સોશિયલ મીડિયા પર કહ્યું કે,’ પોતાની ભૂલો સુધારવાને બદલે તે પોતાની સમસ્યાઓ માટે, અધિકારીઓને જવાબદાર ઠેરવી રહી છે. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (આઈટીએટી) હોય કે, દિલ્હી હાઈકોર્ટ હોય, કોંગ્રેસને નિયમોનું પાલન કરવા અને બાકી ટેક્સ ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ પાર્ટીએ ક્યારેય એવું કર્યું નથી.’
જેપી નડ્ડાએ કહ્યું કે,’ આર્થિક લાચારીની વાત એ પાર્ટી માટે હાસ્યાસ્પદ છે. જેણે દરેક ક્ષેત્ર, દરેક રાજ્ય અને ઇતિહાસની દરેક ક્ષણને લૂંટી છે. જીપ, હેલિકોપ્ટર કૌભાંડથી માંડીને બોફોર્સ સુધીના તમામ કૌભાંડોમાંથી, એકઠા થયેલા નાણાંનો કોંગ્રેસ પોતાના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરી શકે છે.’ ભારતમાં લોકશાહી નથી તેવા કોંગ્રેસના નિવેદન પર જેપી નડ્ડાએ કહ્યું કે,’ ભારતમાં 1975 અને 1977 વચ્ચેના થોડા મહિનાઓ માટે જ લોકશાહી ન હતી, અને તે સમયે ભારતના વડાપ્રધાન અન્ય કોઈ નહીં પરંતુ ઈન્દિરા ગાંધી હતા.’
