નવી દિલ્હી, 30 ઓક્ટોબર : એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ના હેડક્વાર્ટર ખાતે સોમવારે જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. એએઆઈ પ્રમુખ સંજીવ કુમાર દ્વારા, જાગૃતિ સપ્તાહનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત સમારોહ દરમિયાન કોર્પોરેટ હેડક્વાર્ટર ખાતે અધિકારીઓને પ્રામાણિકતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી તકેદારી જાગૃતિ અભિયાન મનાવવામાં આવશે.
સમારોહ દરમિયાન એએઆઈ બોર્ડના સભ્યો, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને અન્ય અધિકારીઓ હાજર હતા. આ અવસરે એએઆઈના પ્રમુખ સંજીવ કુમારે, પોતાના સંબોધનમાં સંગઠનાત્મક કાર્યમાં પારદર્શિતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, ‘ભ્રષ્ટાચારનો વિરોધ કરો અને રાષ્ટ્રને સમર્પિત બનો’ થીમ હેઠળ ભ્રષ્ટાચાર સામે ઊભા રહેવાની અને દેશના વિકાસમાં આપણી ભાગીદારી સુનિશ્ચિત કરવાની આપણા સૌની જવાબદારી છે. તેમણે કહ્યું કે, તકેદારી એ મજબૂત અને વધુ જવાબદાર સંસ્થા તરફનો સામૂહિક પ્રયાસ છે. જે અખંડિતતા અને નૈતિક ધોરણો જાળવવામાં આપણામાંના દરેકની ભૂમિકા પર ભાર મૂકે છે.
