નવી દિલ્હી, 22 જાન્યુઆરી (હિ.સ.) બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સામે અમદાવાદમાં નોંધાયેલા ગુનાહિત માનહાનિ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવને પૂછ્યું છે કે,” શું તેઓ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી, ટિપ્પણી પાછી ખેંચવા તૈયાર છે?” જસ્ટિસ એએસ ઓકાની આગેવાની હેઠળની બેંચે, તેજસ્વી યાદવના વકીલ કપિલ સિબ્બલને તેમના અસીલ પાસેથી સૂચનાઓ લેવા અને કોર્ટને જણાવવા કહ્યું કે,” શું તેઓ તેમની કથિત ટિપ્પણીઓ પાછી ખેંચવા તૈયાર છે?” આ કેસની સુનાવણી એક સપ્તાહ બાદ થશે.
05 જાન્યુઆરીએ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં તેજસ્વીના નિવેદનની સ્પષ્ટતા કરતી એફિડેવિટ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. જેને કોર્ટે સ્વીકારી લીધો હતો. 06 નવેમ્બર, 2023 ના રોજ, સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવ સામે અમદાવાદની નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસ પર સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેજસ્વી યાદવની અરજી પર કેસની સુનાવણી ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવા માટે નોટિસ જારી કરી હતી.
તેજસ્વીએ અમદાવાદની નીચલી અદાલતમાં તેજસ્વી યાદવ સામે પેન્ડિંગ ફોજદારી માનહાનિના કેસમાં હાજરીમાંથી મુક્તિ અને કેસને ગુજરાતની બહાર ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. આ અપરાધિક માનહાનિના કેસમાં અમદાવાદ ટ્રાયલ કોર્ટે તેમને 22 સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યા હતા. તેજસ્વીએ નીચલી અદાલતને એ પણ જણાવ્યું છે કે તેણે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
વાસ્તવમાં, તેજસ્વી યાદવે તેની કથિત ટિપ્પણીમાં કહ્યું હતું કે,” માત્ર ગુજરાતીઓ જ, ઠગ હોઈ શકે.” આ કથિત ટિપ્પણી બદલ અમદાવાદમાં તેમની સામે, ફોજદારી માનહાનિનો કેસ નોંધવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / દધીબલ / પવન / માધવી
