નવી દિલ્હી, 27 ડિસેમ્બર (હિ. સ.) રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર માં આજે સવારે ગાઢ ધુમ્મસ છે. તેની સૌથી વધુ અસર બસ, ટ્રેન અને પ્લેનની અવરજવર પર પડી છે. ભારતીય હવામાન વિભાગે આજથી શુક્રવાર સુધી ત્રણ દિવસ માટે સવારે ખૂબ જ ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે. વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, બુધવારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
રાજ્યોના વિભાગીય અધિકારીઓનું કહેવું છે કે, આજે સવારે હરિયાણા, પંજાબ, દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડમાં ગાઢ ધુમ્મસ છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ તમામ રાજ્યોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. બુધવારે સવારે 6 વાગ્યે દિલ્હી-એનસીઆરમાં તાપમાનનો પારો 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો અને ઉત્તર પ્રદેશના લખનૌ અને પ્રયાગરાજમાં લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.
નોંધનીય છે કે, મંગળવારે ગાઢ ધુમ્મસને કારણે આઈજીઆઈ એરપોર્ટ દિલ્હીની નજીક, સવારે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી વિઝિબિલિટી માત્ર 50 મીટર હતી. જેના કારણે ફ્લાઈટને અસર થઈ હતી. જેના કારણે રેલ વ્યવહારને પણ અસર થઈ હતી. દરમિયાન, દિલ્હી-એનસીઆરમાં પણ પ્રદૂષણ સતત વધી રહ્યું છે. બુધવારે સવારે દિલ્હીનો એકયુઆઈ 450 નોંધાયો હતો.
ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી તમિલનાડુ, કેરળ, પોંડિચેરી અને લક્ષદ્વીપના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ધુમ્મસના કારણે મંગળવારે મેરઠ એક્સપ્રેસ વે પર વાહનોની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી હતી. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પર વાહનોની ગતિ માંડ 20 કિલોમીટર પ્રતિ કલાકની હતી. દિલ્હી પહોંચતી 12 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી. દિલ્હી માં 14 ટ્રેનો કેટલાક કલાકો મોડી પહોંચી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / માધવી
