જયપુર, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.) રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર જોર પકડવા લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં જ પશ્ચિમથી પૂર્વ રાજસ્થાન સુધી ભાજપના પ્રચારનું રણશિંગુ ફૂંકવા જઈ રહ્યા છે. જયપુર અને જોધપુરમાં મતદાનના બે દિવસ પહેલા મોદીનો રોડ શો પણ યોજાશે. મતદાનના દસ દિવસ પહેલા વડાપ્રધાન મોદી રાજસ્થાનની છથી વધુ મુલાકાત કરશે. આ દરમિયાન તેઓ એક દિવસમાં બે જાહેરસભાઓને પણ સંબોધિત કરશે.
પ્રસ્તાવિત કાર્યક્રમ મુજબ, વડા પ્રધાન 15 નવેમ્બરે બાડમેરના બાયતુ ખાતે, જાહેર સભાને સંબોધિત કરશે. આ પછી તેઓ 18 નવેમ્બરે ભરતપુર અને નાગૌરમાં જનસભાને સંબોધશે. 20મી નવેમ્બરે પાલીમાં તેમની જાહેર સભાની દરખાસ્ત છે. આ સિવાય જયપુર અને જોધપુરમાં વડાપ્રધાન મોદીના રોડ શો નો પ્રસ્તાવ છે. આ અંતર્ગત 22 નવેમ્બરે જયપુરના પરકોટા વિસ્તારમાં રોડ શો યોજવામાં આવી શકે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન સ્વીકારશે. 23મી નવેમ્બરે જોધપુરમાં રોડ શો નો પ્રસ્તાવ છે. જોધપુરમાં પણ વડાપ્રધાન મોદી જૂના શહેરમાં રોડ શો કરશે. જયપુર અને જોધપુરમાં જૂના શહેરનું પોતાનું મહત્વ છે.
છેલ્લા 12 મહિનામાં વડાપ્રધાન મોદીએ 11 વખત રાજસ્થાનની મુલાકાત લીધી છે. તેની શરૂઆત 30 સપ્ટેમ્બર, 2022ના રોજ થઈ હતી, જ્યારે વડાપ્રધાન અંબા માતાના દર્શન કરવા આવ્યા હતા. તે સમયે તે સિરોહી જિલ્લાના આબુ રોડ પર પણ આવી ગયા હતા. બીજી વખત વડાપ્રધાન 1 નવેમ્બર, 2022ના રોજ બાંસવાડાના માનગઢ ધામમાં આવ્યા હતા. ત્રીજી વખત, 8 જાન્યુઆરી 2023 ના રોજ, મોદીએ ભીલવાડાની મુલાકાત લીધી અને ગુર્જર સમુદાયના દેવતા દેવનારાયણ ભગવાનની જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લીધો. 12 ફેબ્રુઆરી, 2023 ના રોજ, તેઓ દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન માટે આવ્યા હતા. 10 મે, 2023ના રોજ વડાપ્રધાન મોદીએ નાથદ્વારા અને આબુ રોડમાં મોટી સભાઓને સંબોધિત કરી હતી. 31 મે, 2023 ના રોજ, વડાપ્રધાન મોદીએ અજમેરમાં બીજેપી ના મેગા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી. 8 જુલાઈના રોજ, બિકાનેરમાં, તેમણે અમૃતસર-જામનગર એક્સપ્રેસ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું અને 24,300 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
આ પછી વડાપ્રધાન મોદીએ 27 જુલાઈના રોજ સીકરમાં જનસભાને સંબોધિત કરી હતી. 25 સપ્ટેમ્બરે જયપુરમાં તેમની બેઠક યોજાઈ હતી. 2 ઓક્ટોબરે સાંવલિયા શેઠ મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે ત્યાં જાહેર સભાને સંબોધિત કરી હતી. આ મહિને 9 નવેમ્બરે તેમણે ઉદયપુરમાં એક સભાને સંબોધિત કરી હતી.
ચૂંટણી પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની મુલાકાતોને લઈને મેગા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. વડા પ્રધાન મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય ગૃહ-પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા રાષ્ટ્રીય નેતાઓ આ અઠવાડિયાથી રાજસ્થાનમાં ધામા નાખશે. યોગી આદિત્યનાથ પાંચ દિવસ સુધી રાજસ્થાનમાં મોરચો સંભાળશે. 16 નવેમ્બરે યોગી આદિત્યનાથની પીપલદા, કેશોરાયપાટન, કેકડી અને પુષ્કરમાં સભાઓ યોજાશે. આ પછી જયપુર, ઉદયપુર અને અલવરમાં પણ યોગી આદિત્યનાથના કાર્યક્રમો નક્કી કરવામાં આવી રહ્યા છે.
તેવી જ રીતે નાણામંત્રી નિર્મલા સીતારમણ 14 નવેમ્બરે જયપુર આવી રહ્યા છે. તે જ દિવસે કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી સુમેરપુરમાં ચૂંટણી રેલી કરશે. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 16 નવેમ્બરે ભીમા, દેવલી, કુંભલગઢમાં બેઠક કરશે. આસામના સીએમ હેમંત બિસ્વા સરમાએ પણ ત્રણ દિવસ માટે રાજસ્થાનની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. આ સમયગાળા દરમિયાન બિસ્વા લગભગ અડધો ડઝન સભાઓને સંબોધિત કરશે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની, બે દિવસીય મુલાકાત પણ નક્કી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ પણ ચાર દિવસની મુલાકાતે, જવાના છે. મોટા ભાગના ઉમેદવારોએ માંગ કરી છે કે, તેમના સ્થાનો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યક્રમો નક્કી કરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / રોહિત / સંદીપ / મુકુંદ / ડો. હિતેશ / માધવી
