સુરત, 13 નવેમ્બર(હિ. સ.)-અલથાણ-કેનાલ રોડ પર આવેલા રઘુવીર ઇન્ફોનિયા નામની બિલ્ડિંગના 11 માં માળે અચાનક એક ફ્લેટમાં આગ લાગતા સોસાયટીના લોકો ભયના માર્યા બિલ્ડીંગ નીચે દોડી ગયા હતા. આગ લાગવા પાછળ આતશબાજી હોવાનું કારણ સામે આવ્યું છે. આ આગમાં ફલેટના હોલ અને બે બેડરૂમ બળીને ખાખ થઈ ગયા હતા. ફાયરના જવાનોએ મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી.
ફાયર વિભાગે જણાવ્યુ હતું કે ઘટના લગભગ 10:40 ની હતી. બિલ્ડિંગના 11 માળે આગ લાગી હોવાનો કોલ મળતા જ વેસુ અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના કરાઈ હતી. જવાનોએ ફાયર સામગ્રી સાથે દાદર ચઢી 11 માળે પહોંચ્યા હતા. હોલ અને બેડ રૂમમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
ફાયર ઓફિસર દવેએ જણાવ્યું હતું કે આગ ભીષણ હતી. લોકો દોડી ને દાદર ઉતરી રહ્યા હતા. જોકે સમયસર સ્થળ પર પહોંચી જતા હોલ અને બે બેડરૂમમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. આગ લાગવા પાછળ દિવાળીની ઉજવણી આતશબાજી હોવાનુ પ્રાથમિક કારણ કહી શકાય છે. આગમાં લાખોનું ફર્નિચર સહિતની સામગ્રી બળી ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
