રાંચી, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, 28 ઓક્ટોબર (શનિવાર)ના રોજ ઝારખંડ ભાજપની સંકલ્પ યાત્રાના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ અહીંના હરમુ મેદાન ખાતે યોજાનાર છે. એવું માનવામાં આવે છે કે, આ સાથે નડ્ડા, પાર્ટીને ઝારખંડમાં મિશન 2024 માટે સજ્જ થવા અને તૈયાર થવાનો સંદેશ આપશે.
પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીની રાજ્યવ્યાપી સંકલ્પ યાત્રાનો, સમાપન કાર્યક્રમ 28 ઓક્ટોબરે રાંચીના હરમુ મેદાનમાં સવારે 11 વાગ્યાથી યોજાશે. યાત્રાના સંયોજક અને પ્રદેશ મહાસચિવ કમ હેડક્વાર્ટરના પ્રભારી ડો.પ્રદીપ વર્માએ જણાવ્યું હતું કે, સમાપન કાર્યક્રમની તૈયારીઓ, પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારની નિષ્ફળતાઓ, રાજ્યમાં પ્રવર્તતો સત્તા સમર્થિત ભ્રષ્ટાચાર, કથળેલી કાયદો અને વ્યવસ્થા, બેરોજગારી, ખનીજની લૂંટ અને તુષ્ટિકરણ સામે પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડીના નેતૃત્વમાં 17 ઓગસ્ટથી સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો.
પ્રદેશ પ્રમુખે રાજ્યના તમામ 81 વિધાનસભા મતવિસ્તારોની મુલાકાત લઈને રાજ્યની સ્થિતિ વિશે જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ પ્રદેશ પ્રમુખની આ સંકલ્પ યાત્રા જનતા ના ભારે સમર્થન સાથે જન સંકલ્પ યાત્રામાં ફેરવાઈ ગઈ હતી. અત્યાર સુધી આ યાત્રા 71 વિધાનસભા મતવિસ્તારોમાં આઠ તબક્કામાં પૂર્ણ થઈ છે. હવે યાત્રાનું સમાપન 28 ઓક્ટોબરે હરમુ મેદાન ખાતે થશે.
સમાપન કાર્યક્રમમાં, છ વિધાનસભા મતવિસ્તારો – રાંચી, હટિયા, કાંકે, માંડર, ખિજરી અને તમાડ વિસ્તારોની સંયુક્ત બેઠક યોજાશે. જેમાં હજારો કાર્યકરો અને જનતા ઉમટી પડશે. સંકલ્પ યાત્રાની સાથે-સાથે સમગ્ર રાજ્યમાં પાર્ટીના કાર્યકરો દ્વારા મેરી માટી, મેરા દેશ કાર્યક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો હતો, જેમાં અમૃત નિર્માણ માટે ગામડાઓ, શહીદ સ્થળો, શહીદોના ગામો, ઐતિહાસિક સ્થળો પરથી માટી એકત્ર કરવામાં આવી છે. તમામ 263 બ્લોક અને 49 મ્યુનિસિપલ સંસ્થાઓને આવરી લેતા 312 કલશોને 28 ઓક્ટોબરે હરમુ મેદાનમાં સન્માનપૂર્વક લાવવામાં આવશે અને નવી દિલ્હી મોકલવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / વંદના / પવન / ડો. હિતેશ / માધવી
