ઋષિકેશ, નવી દિલ્હી, 06 નવેમ્બર (હિ.સ.) ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન પ્રોજેક્ટ હેઠળ નગરાસુ ખાતે નિર્માણાધીન ટનલમાં લાગેલી આગ દરમિયાન, ત્યાં ફસાયેલા 44 મજૂરોને, એસડીઆરએફ અને ડીડીઆરએફના જવાનોએ સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. સુરંગમાં લાગેલી આગને ઓલવવામાં, રાહત કાર્યકરોને સફળતા મળી છે.
ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ લાઇન પ્રોજેક્ટ હેઠળ નગરાસુમાં નિર્માણાધીન ટનલમાં રાખવામાં આવેલા રસાયણોમાં આગ લાગતાં સ્થળ પર હંગામો મચી ગયો હતો. આ દરમિયાન સુરંગની અંદર 44 મજૂરો કામ કરી રહ્યા હતા. માહિતી મળતાં જ એસડીઆરએફ અને ડીડીઆરએફના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી અને તમામ કામદારોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
એસડીઆરએફ ના જિલ્લા પ્રભારી નિરીક્ષક નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, અકસ્માત રવિવારે સાંજે લગભગ સાડા સાત વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે રૂદ્રપ્રયાગ નજીક નાગરસુ ખાતે સ્થિત નિર્માણાધીન ટી-15 ટનલના પ્રારંભિક ભાગમાં કેટલાક રાસાયણિક પદાર્થ રાખવામાં આવ્યા હતા, જેમાં અચાનક આગ લાગી હતી. ત્યાં હાજર કામદારોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગની જ્વાળાઓ ઝડપથી વધી હતી, જેને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી. જે બાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ એસડીઆરએફ અને ડીડીઆરએફની બચાવ ટીમ લગભગ 8 વાગે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમતથી, આગને કાબૂમાં લીધી હતી અને ત્યાં ફસાયેલા તમામ 44 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે, કેમિકલ આગનું કારણ જાણી શકાયું નથી. તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / વિક્રમ / સંજીવ / ડો. હિતેશ / માધવી
