નવી દિલ્હી, 29 નવેમ્બર (હિ.સ.) દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી પર લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે-ત્રણ દિવસ તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદની સંભાવના છે. બુધવારે, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ ચક્રવાતી પવનોનો વિસ્તાર રચાયો છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં ઓછા દબાણમાં પરિવર્તિત થયું છે.
વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંદામાન અને નિકોબારમાં ચક્રવાતી તોફાનનો ખતરો છે. 30 નવેમ્બર સુધીમાં સંભવિત તોફાનથી પ્રભાવિત દરિયાકાંઠાના વિસ્તારો સિવાય દેશના અન્ય ભાગોમાં પણ હવામાન બદલાઈ શકે છે. જેના કારણે આગામી બે દિવસમાં આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય હવામાન વિભાગે તાજેતરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર પૂર્વના વિસ્તારોમાં હવામાનમાં ફેરફારની શક્યતા પણ વ્યક્ત કરી છે. આગામી 48 કલાકમાં હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદની સંભાવના છે. આ સાથે મધ્યપ્રદેશ અને વિદર્ભમાં પણ આગામી બે દિવસ સુધી વરસાદ પડી શકે છે.
આંદામાન સમુદ્રમાં લો પ્રેશરના કારણે, આગામી પાંચ દિવસ આસપાસના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. આગામી પાંચ દિવસ સુધી તમિલનાડુ, કેરળ, પોંડિચેરી, કરાઈકલ, માહે માં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આંદામાન અને નિકોબારમાં 40-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. તેથી આ વિસ્તારોમાં માછીમારો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. માછીમારોને 1 જાન્યુઆરી સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે અને જો તેઓ ગયા હોય તો 30 નવેમ્બર સુધીમાં પરત ફરે.
હિન્દુસ્થાન સમાચાર/ વિજયલક્ષ્મી/મુકુંદ / ડો. હિતેશ/માધવી
