પાટણ/અમદાવાદ,29 નવેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લામાં જૂના ગંજ ખાતે જગન્નાથ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત ધર્મસભામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટણ રેલવે સ્ટેશનથી જૂના ગંજ સુધી પરમ પૂજ્યશ્રી જગતગુરું સ્વામી શંકરાચાર્યજીની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં બાળાઓ કળશ લઈને પરમ પૂજ્ય શ્રી જગતગુરુ સ્વામી શંકરાચાર્યજીની શોભાયાત્રામાં જોડાઈ હતી. સાથે શોભાયાત્રામાં દૂર્ગા વાહિનીની દીકરીઓ તલવારબાજીના કરતબ માટે જોડાઈ હતી.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, આપના માટે આંનદનો દિવસ છે કે 25 વર્ષ પછી આપણા આંગણે આવો ભવ્ય અવસર આવ્યો છે. આપણી વચ્ચે જગદગુરુ શંકરાચાર્ય સાક્ષાત હાજર હોય ત્યારે તેઓ આપણને ધર્મના જ્ઞાનથી તરબોળ કરશે. ગાય માતા , ધાર્મિક કાર્યને લગતી સેવાકીય પ્રવૃત્તિઓ માટે યોગદાન આપવા માટે હું હંમેશા તત્પર જ છું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમય દરમિયાન ભવ્ય રામમંદિર બની રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમયમાં ઉત્તર ગુજરાતની અંદર અંબાજી મંદિર, બહુચરાજીના મંદિર, વડનગર કે રાણકીવાવના વિકાસની પ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર છે. એવું સાંભળવા મળ્યું છે કે ધર્મસભામાં ભગવાન વિષ્ણુ સાક્ષાત્ હાજરહોય છે. ત્યારે આપણે પણ ધર્મસભાનો લાભ લઇને સેવાકીય પ્રવૃતિઓથી આપના મનને પ્રફુલિત કરીએ.
આ પ્રસંગે અનંત શ્રી દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય, સંતો અને મહંતો, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટ પ્રદિપસિંહ રાઠોડ, સંગઠનના હોદ્દેદારો દશરથજી ઠાકોર, સાથે અન્ય પદાધિકારીઓ, જગન્નાથ ટ્રસ્ટના ટ્રસ્ટી વિષ્ણુ આચાર્ય તથા પાટણ જિલ્લાની ધર્મપ્રેમી જનતાઓ હાજર રહીને ધર્મસભાનો લાભ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર/
