મુંબઈ, નવી દિલ્હી, 24 જાન્યુઆરી (હિ.સ.). એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓએ બુધવારે બારામતી એગ્રો કૌભાંડ કેસમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા શરદ પવારના પૌત્ર રોહિત પવારની પૂછપરછ શરૂ કરી હતી.
બુધવારે સવારે ઇડી ઓફિસ જતા પહેલા, રોહિત પવાર તેના દાદા પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારને મળ્યા હતા. આ પછી રોહિત પવાર સુપ્રિયા સુલે સાથે ઇડી ઓફિસ પહોંચ્યા. ઇડી ઓફિસ જતા પહેલા રોહિત પવારે પત્રકારોને કહ્યું કે, જો કર્યું નથી તો કોઈ ડર પણ નથી. તેણે કહ્યું કે, તે ઇડી ને સંપૂર્ણ સહકાર આપશે અને ભાગીશ નહીં. આ પ્રસંગે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ કહ્યું કે સત્યમેવ જયતે. સુપ્રિયા સુલેએ કહ્યું કે સંસદના ડેટા દર્શાવે છે કે ઇડી, સીબીઆઈ અને આવકવેરા વિભાગ દ્વારા 95 ટકા કેસ માત્ર વિરોધી પક્ષના લોકો વિરુદ્ધ જ નોંધવામાં આવ્યા છે. વિપક્ષ અત્યારે સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યો છે, પરંતુ અમે તેનો સામનો કરીશું.
જણાવવામાં આવી રહ્યું છે કે, બારામતી એગ્રોની ખરીદી સાથે જોડાયેલા 28 પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઇડી ના છ અધિકારીઓ રોહિત પવારની પૂછપરછ કરી રહ્યા છે. દરમિયાન, એનસીપી કાર્યકર્તાઓની મોટી ભીડ ઇડી ઓફિસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ઓફિસ પાસે એકઠી થઈ ગઈ છે. મુંબઈ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
મળતી માહિતી મુજબ, ભાજપના પ્રદેશ પ્રમુખ કિરીટ સોમૈયાએ બારામતી એગ્રો કંપનીની ખરીદીમાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો. આ ફરિયાદના આધારે ઇડી ની ટીમે બારામતી એગ્રો કંપનીમાં દરોડા પાડ્યા હતા. ઇડી એ રોહિત પવારને આ અનિયમિત નાણાકીય હેરફેર બાબત ની પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે. રોહિત પવાર હોટલ ટ્રાઇડેન્ટમાં રાત રોકાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર/રાજબહાદુર/સુનીલ / ડો. હિતેશ
