
નવી દિલ્હી, 28 ઓકટોબર(હિ. સ.) કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’ 27 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કંગના ઘણા દિવસોથી આ ફિલ્મનું પ્રમોશન કરી રહી હતી, તેથી આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. ફિલ્મ રિલીઝ થયા બાદ હવે તેની પહેલા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો ‘તેજસ’ એ ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.
સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, કંગનાની ફિલ્મ તેજસે પહેલા દિવસે માત્ર 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સંખ્યા અપેક્ષા કરતા ઘણી ઓછી છે. ફિલ્મના વિષયને ધ્યાનમાં લેતા, એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, તે આના કરતાં વધુ સારી ઓપનિંગ આપશે. આ ફિલ્મ દેશભરમાં લગભગ 1300 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. વાસ્તવમાં, ફિલ્મનું એડવાન્સ બુકિંગ ખૂબ જ ઓછું હતું, જેના કારણે ફિલ્મની કમાણી પણ ઘટી હતી.
‘તેજસ’ તેની રિલીઝના પ્રથમ દિવસે દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે. એવો અંદાજ છે કે શનિવાર અને રવિવારના વીકએન્ડમાં કમાણીમાં વધારો થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બજેટ 45 કરોડની આસપાસ છે. આવી સ્થિતિમાં, જો ફિલ્મ વીકએન્ડ પર સારું પ્રદર્શન નહીં કરે તો કંગના માટે તે આંચકો બની શકે છે. કારણ કે તેની અગાઉની ફિલ્મો ‘ધાકડ’ અને ‘ચંદ્રમુખી 2’ ફ્લોપ સાબિત થઈ છે.
કંગનાએ ફિલ્મ ‘તેજસ’માં એરફોર્સ ઓફિસરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં તેના સિવાય અંશુલ ચૌહાણ, વરુણ મિત્રા, આશિષ વિદ્યાર્થી અને વિશાખ નાયર પણ મહત્વની ભૂમિકામાં છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/વીરેન્દ્ર / ડો. હિતેશ
