
નવી દિલ્હી , 11 નવેમ્બર(હિ. સ.) ‘કોફી વિથ કરણ’ની આઠમી સિઝન ચાલી રહી છે. કરણ જોહરના ચેટ શો નો નવો એપિસોડ દર ગુરુવારે પ્રસારિત થાય છે. અત્યાર સુધીમાં તેના ત્રણ ભાગ રિલીઝ થઈ ચૂક્યા છે. આઠમી સિઝનની શરૂઆત રણવીર સિંહ અને દીપિકા પાદુકોણથી થઈ હતી. સની દેઓલ અને બોબી દેઓલ બીજા એપિસોડમાં જોવા મળ્યા હતા અને સ્ટારકિડ્સ સારા અલી ખાન અને અનન્યા પાંડે ત્રીજા એપિસોડમાં જોવા મળ્યા હતા. હવે જ્યારે લોકો તેના આગામી ભાગ વિશે ઉત્સુક છે, ત્યારે તેના વિશે નવી માહિતી બહાર આવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાન ટૂંક સમયમાં ‘કોફી વિથ કરણ’ની સીઝન 8 માં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવી સિઝનમાં કરણ જોહર, સલમાનને આમંત્રિત કરવા જઈ રહ્યો છે. કરણે પણ સલમાન સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ સીઝન સલમાન ખાનની હાજરી સાથે પૂરી થશે.
હાલમાં, શો ના મેકર્સ એવા સેલિબ્રિટી સ્ટારની શોધમાં છે જે સલમાન સાથે જોવા મળે. સલમાને હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સલમાન ખાન આ પહેલા બે વખત ‘કોફી વિથ કરણ’માં જોવા મળ્યો છે. સલમાન ચોથી સિઝનમાં પહેલીવાર શોમાં પહોંચ્યો હતો. તેની સાથે તેના પિતા સલીમ ખાન પણ આવ્યા હતા. તે 2016-17માં રિલીઝ થયેલી ‘કોફી વિથ કરણ’ની પાંચમી સિઝનમાં તેના ભાઈઓ અરબાઝ અને સોહેલ સાથે જોવા મળ્યો હતો.
કરણ માટે તેના શો માં મહેમાનોની જોડીને આમંત્રિત કરવાની પરંપરા બની ગઈ છે. આવી સ્થિતિમાં મેકર્સ અત્યારે આઠમી સિઝન માટે સલમાનના પાર્ટનરની શોધમાં છે. ચર્ચા છે કે, આ સિઝનમાં સલમાન કેટરીના કૈફ અથવા ઈમરાન હાશ્મી સાથે જોવા મળશે. હાલમાં આ ત્રણેયની ફિલ્મ ‘ટાઈગર 3’ ચર્ચામાં છે. આવી સ્થિતિમાં કરણ જોહરના શોમાં સલમાન આ બંનેમાંથી કોઈ એક સાથે જોવા મળી શકે છે. હાલમાં સ્પષ્ટ છે કે, કરણના આગામી એપિસોડમાં કરીના કપૂર, આલિયા ભટ્ટ, અજય દેવગન, રોહિત શેટ્ટી, કાજોલ અને રાની મુખર્જી જોવા મળશે.
આ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે, કરણ જોહર ‘કુછ કુછ હોતા હૈ’ પછી લગભગ 25 વર્ષ બાદ સલમાન સાથે ફિલ્મ કરી રહ્યો છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે જેમાં સલમાન પેરા મિલિટ્રી ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ‘શેરશાહ’ ફેમ વિષ્ણુવર્ધન કરશે, જ્યારે કરણ જોહર તેને પ્રોડ્યુસ કરશે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સંજીવ / ડો. હિતેશ
