નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ. સ.) બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’, ટૂંક સમયમાં જ સ્ક્રીન પર આવવા જઈ રહી છે. હાલમાં આ ફિલ્મનું પ્રમોશન ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે અભિનેત્રી રશ્મિકા મંદાના લીડ રોલમાં જોવા મળશે. આ દરમિયાન બંને એકસાથે અનેક પ્રમોશનલ ઈવેન્ટ્સમાં હાજરી આપી રહ્યાં છે. હાલમાં જ આ ફિલ્મની ટીમ પ્રમોશન માટે, હૈદરાબાદની મલ્લા રેડ્ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ પહોંચી હતી. આ અવસર પર સાઉથ સ્ટાર મહેશ બાબુ અને ડાયરેક્ટર એસએસ રાજામૌલીએ પણ, આ પ્રમોશન ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન ફરી એકવાર જોવા મળ્યું કે, મહેશ બાબુનો તેના ફેન્સમાં કેટલો ક્રેઝ છે.
જ્યારે ‘એનિમલ’ ફિલ્મની ટીમ સ્ટેજ પરથી, ચાહકો સાથે વાતચીત કરી રહી હતી ત્યારે અભિનેતા મહેશ બાબુનો એક ચાહક, સ્ટેજ તરફ દોડી આવ્યો હતો. તેણે અચાનક સ્ટેજ પર કૂદીને મહેશ બાબુને ગળે લગાડવાનો પ્રયાસ કર્યો. મહેશ બાબુને આવકારવા અને તેમને નજીકથી જોવા માટે, ચાહકે પોતે આ પ્રયાસ કર્યો હતો. કોઈને ખબર પડે તે પહેલા ચાહકો ઝડપથી દોડીને મહેશ બાબુ પાસે પહોંચી ગયા. આ વખતે સિક્યોરિટી ગાર્ડે આ ફેનને પકડી લીધો અને મહેશ બાબુ પાસેથી દૂર કર્યો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહેશ બાબુનો ક્રેઝ ચાહકોમાં સતત જોવા મળી રહ્યો છે. અભિનેતાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. મહેશ બાબુ પણ બોલિવૂડ ફિલ્મોમાં ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ દરમિયાન તે બોલિવૂડની ઘણી ફિલ્મોનું પ્રમોશન કરતા પણ જોવા મળ્યા છે. મહેશ બાબુએ રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘એનિમલ’ના પ્રમોશનમાં સહયોગ આપ્યો છે. એનિમલ 1 ડિસેમ્બરે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થવાની છે. કહેવાય છે કે, આ ફિલ્મ એક પિતા અને તેના પુત્રની આસપાસ ફરે છે. એડવાન્સ બુકિંગમાં ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. અનુમાન છે કે, રણબીર કપૂરની કારકિર્દીની આ સૌથી મોટી ઓપનર ફિલ્મ હશે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
