લુણાવાડા, 17 માર્ચ : ભારતના ચૂંટણીપંચ દ્વારા તા:૧૬ માર્ચ, ૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ સંદર્ભે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર નેહા કુમારીના ઉપસ્થિતીમાં મહીસાગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક માધ્યમોના મિડીયા મિત્રો સાથે પત્રકાર પરિષદ યોજાઈ.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ ઇલક્ટ્રોનિક અને પ્રિન્ટ માધ્યમોના તંત્રીઓ/પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ વધુમાં વધુ મતદારો લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદાર બને તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લામાં સમાવિષ્ટ ૩ વિધાનસભા બેઠકો જિલ્લામાં કુલ ૯૬૩ મતદાન મથકો આવેલા છે. મહીસાગર જિલ્લામાં ૩ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૮,૨૬,૯૮૯ મતદારો નોંધાયેલો છે.જેમાં ૪,૨૧,૮૭૦ પુરુષ મતદારો ૪,૦૫,૧૧૦ મહિલા મતદારો , ૯ અન્ય મતદારો નોંધાયેલા છે. આ ઉપરાંત ૧૮-૧૯ વયજૂથના ૨૧,૦૬૪ મતદારો , ૨૦-૨૯ વયજૂથના ૧,૯૩,૩૪૧ મતદારો, ૮૫ ઉપરના ૭,૯૨૧ મતદારો અને PWDના ૪,૬૪૯ મતદારો નોંધાયેલ છે. ઉપરાન્ત જિલ્લાના પત્રકારો દ્રારા પૂછવામાં આવેલા પ્રશ્ર્નોના જવાબો તથા ભૂતપૂર્વ ચુંટણી પ્રક્રીયામાં પત્રકાર મિત્રો તથા સામાન્ય જનને પડેલી મુશ્કેલીનુ પુનરાવર્તન ન થાય તેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેવુ ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ હતુ. આ પત્રકાર પરિષદમાં જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી એમ મનાત ,સહાયક માહિતી નિયામકશ્રી શૈલેષકુમાર બલદાણીયા ઉપસ્થિત રહ્યા હતા.
