શ્રીનગર, નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી : કુપવાડા જિલ્લાના લાલપોરા વિસ્તારમાં, સુરક્ષા દળો દ્વારા હથિયારો અને દારૂગોળા સાથે એક આતંકવાદી સહયોગીની ધરપકડ કરવામાં આવી છે.
ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં, પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કુપવાડા પોલીસ, આર્મીની 28 આરઆર અને સીઆરપીએફ 162મી બટાલિયન દ્વારા, ગુંડીમાચેર બ્રિજ પર સંયુક્ત ચેકપોઇન્ટની સ્થાપના કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન લાલપોરાથી ગુંડામાચેર તરફ આવી રહેલા એક વ્યક્તિની શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી, જે સફેદ રંગની બેગ લઈને જતો હતો. સુરક્ષા દળોને જોઈને વ્યક્તિએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક જવાનોએ ઝડપી કાર્યવાહી કરીને તેને પકડી લીધો હતો. .
પ્રાથમિક પૂછપરછ દરમિયાન પકડાયેલા વ્યક્તિએ તેનું નામ રફીક અહમદ ગની હોવાનું અને લાલપોરાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. બેગની તલાશી લેતા તેમાંથી એક પિસ્તોલ, પિસ્તોલ મેગેઝીન, 10 રાઉન્ડ, બે હેન્ડ ગ્રેનેડ અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ સંદર્ભે લાલપોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
