
નવી દિલ્હી, 31 જાન્યુઆરી : સરકારે 16મા નાણાપંચના ચાર સભ્યોની નિમણૂક કરી છે. તેમાં ભૂતપૂર્વ ખર્ચ સચિવ અજય નારાયણ ઝા, ભૂતપૂર્વ વિશેષ ખર્ચ સચિવ એની જ્યોર્જ મેથ્યુ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અર્થા ગ્લોબલ ડૉ. નિરંજન રાજાધ્યક્ષ અને સ્ટેટ બેંક ગ્રૂપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષનો સમાવેશ થાય છે.
બુધવારે નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના અનુસાર, નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢીયાની આગેવાની હેઠળના 16મા નાણાં પંચમાં ચાર સભ્યો હશે. તેમને સચિવ ઋત્વિક રંજનમ પાંડે, બે સંયુક્ત સચિવ અને એક આર્થિક સલાહકાર મદદ કરશે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, અજય નારાયણ ઝા અગાઉના 15મા નાણાં પંચના સભ્ય પણ હતા. ઝા ઉપરાંત, નિવૃત્ત અમલદાર એની જ્યોર્જ મેથ્યુ અને અર્થ ગ્લોબલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નિરંજન રાજાધ્યક્ષને 16મા નાણાં પંચના સંપૂર્ણ સમયના સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સૌમ્ય કાંતિ ઘોષ પાર્ટ-ટાઇમ સભ્ય હશે.
નાણા મંત્રાલયની સૂચના અનુસાર, 16મા નાણાપંચના અધ્યક્ષ અને અન્ય સભ્યો અનુક્રમે ચાર્જ સંભાળ્યાની તારીખથી રિપોર્ટ સબમિટ કરવાની તારીખ સુધી અથવા 31 ઓક્ટોબર, 2025 સુધી (બેમાંથી જે વહેલું હોય) તેમના હોદ્દા પર રહેશે.
નોંધનીય છે કે, સરકારે 31 ડિસેમ્બર, 2023ના રોજ પનગઢીયાની અધ્યક્ષતામાં 16મા નાણાં પંચની રચના કરી હતી. નાણાપંચ 31 ઓક્ટોબર, 2025 સુધીમાં રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ સોંપશે. આ રિપોર્ટ 1 એપ્રિલ, 2026 થી પાંચ વર્ષના સમયગાળા માટે હશે.
