નવી દિલ્હી, 31 જાન્યુઆરી : એશિયન બજારોના નબળા વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા વેચવાલીથી ધીમી શરૂઆત છતાં સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે, શેરબજારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરની ખરીદી કરીને પુનરાગમન કર્યું હતું. હાલમાં, શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો ઉપર તરફના વલણમાં છે.
બજારનો મુખ્ય સૂચકાંક બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 407.26 પોઈન્ટ એટલેકે 0.57 ટકાના વધારા સાથે 71,547.16 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)નો નિફ્ટી 120.45 પોઈન્ટ એટલેકે 0.56 ટકાના વધારા સાથે 1,642.55 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
વાસ્તવમાં, રોકાણકારો આ અઠવાડિયે આવનારા વચગાળાના બજેટ અને વ્યાજદર અંગે, યુએસ ફેડરલ રિઝર્વના નિર્ણય જેવી મોટી જાહેરાતો પહેલા સાવચેત છે. આજે બીએસઈનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 243.07 પોઈન્ટ ઘટીને 70,896.83 પર જ્યારે નિફ્ટી પણ 73.25 પોઈન્ટ ઘટીને 21,448.85 પર હતો.
સેન્સેક્સની અગ્રણી કંપનીઓમાંની એક લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તે જ સમયે, ટાઇટન, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ફોસિસ, એક્સિસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરને પણ નુકસાન થયું હતું. જોકે, ટાટા મોટર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ અને બજાજ ફિનસર્વના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે, આના એક દિવસ પહેલા મંગળવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 801 પોઈન્ટ ઘટીને 71,139 ના સ્તરે બંધ રહ્યો હતો. આ સાથે જ નિફ્ટી પણ 215 પોઈન્ટના ઘટાડા સાથે 21,522ના સ્તરે બંધ રહ્યો હતો.
