– નર્મદા જિલ્લાના પાંચ તાલુકાની 222 ગ્રામ પંચાયતના રૂટના ગામોમાં બે રથ ભ્રમણ કરીને લોક જાગૃતિનો સંદેશ આપશે
– સાગબારામાં 8 ડિસેમ્બરે તિલકવાડામાં 19 ડિસેમ્બરે અને ગરૂડેશ્વર તાલુકામાં 24 ડિસેમ્બર-2023 થી યાત્રા પ્રારંભ ગ્રામીણ વિસ્તારમાં ફરશે
– ભારત સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની પાત્રતા ધરાવતા લોકોને લાભ આપવામાં આવશે
રાજપીપલા/અમદાવાદ,16 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડ ખાતેથી દેશવ્યાપી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ યાત્રાના સંદર્ભમાં નર્મદા જિલ્લામાં પણ યાત્રા શરૂ થશે. નાંદોદ તાલુકાના રાજપીપલા વડીયા પ્રાથમિક શાળા ખાતે સવારે 9.30 કલાકે પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર જિલ્લાકક્ષાની યાત્રાનો પ્રારંભ કરાવશે. આજે 15 નવેમ્બર જન જાતિય ગૌરવ દિવસથી આ યાત્રાનો પ્રારંભ થશે. નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડામાં પ્રથમ ચરણમાં સોલિયા અને ઘંટોલી ગામમાં યાત્રા શરૂ થશે. ફ્લેગશીપ યોજનાકિય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલા આધુનિક રથો ગામેગામ ભ્રમણ કરશે અને જાગૃતિ સંદેશ ફેલાવશે. અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ ઘર ઘર પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં ફરશે.
દેડીયાપાડા તાલુકામાં 15 નવેમ્બર થી 7 ડિસેમ્બર સુધી, સાગબારામાં તાલુકા 8 નવેમ્બર થી 23 ડિસેમ્બર સુધી, ગરૂડેશ્વર તાલુકામાં 24 ડિસેમ્બર થી 11 જાન્યુઆરી,2024 સુધી, નાંદોદ તાલુકામાં 15 નવેમ્બર થી 18 ડિસેમ્બર સુધી અને તિલકવાડા તાલુકામાં 19 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધી યાત્રા ગ્રામીણ વિસ્તારમાં ફરશે.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળી રહે, કોઇ છુટી ન જાય તેની કાળજી લેવામાં આવશે અને યોજનાકીય પાત્રતા ધરાવતા લાભાર્થીની ડેટા એન્ટ્રી અને નોંધણી કરવામાં આવશે. અને તબક્કાવાર લાભ આપવાનો પ્રયાસ રાજ્યના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવશે અને યોજનાકીય પ્રચાર-સાહિત્ય વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. અને રથમાં મલ્ટીમિડીયા પ્રેઝન્ટેશન ફિલ્મ અને વિકાસની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. જેનાથી અભણ લોકોને યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કરવામાં આવશે.
ગ્રામીણ ક્ષેત્રમાં મુખ્યત્વે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, દીનદયાલ અંત્યોદય યોજના (નેશનલ રૂરલ લાઇવલિહુડસ મિશન) પ્રધાનમંત્રી આવાસ યોજના (રૂરલ) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, પ્રધાનમંત્રી પોષણ અભિયાન, હર ઘર જલ જલ જીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વિમા યોજના, સુરક્ષા વિમા યોજના, અટલ પેન્શન, પ્રધાનમંત્રી પ્રણામ, નેનો ફર્ટિલાઇઝર યોજના ઉપર ફોકસ કરવામાં આવશે.
જ્યારે ટ્રાઇબલ જિલ્લાઓમાં સિકલસેલ એનિમિયા, એલીમીનેશન મિશન, એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ નોંધણી, શિષ્યવૃત્તિ યોજનાઓ, વન અધિકાર વ્યક્તિગત અને સામુદાયિક જમીન, વન ઘર વિકાસ કેન્દ્ર(સ્વસહાય જૂથોનું આયોજન) બાબતો ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે.
ગ્રામ પંચાયત ખાતે વાન રથ પહોંચે ત્યારે તેનું સ્વાગત પ્રધાનમંત્રીનો રેકોર્ડ કરેલ સંદેશ, વિકસીત ભારત માટે પ્રતિજ્ઞા વિડીયો, ઓપનિંગ મૂવી, મેરી કહાણી મેરી જુબાની યોજનાની સકસેસ સ્ટોરી લાભાર્થીના અનુભવો પ્રસારિત કરવામાં આવશે. ખેડૂતો સાથે વર્તાલાભ, સોઇલ હેલ્થ કાર્ડ, ધરતી કહે પુકારકે સ્વચ્છતા ગીતો જેવા મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરનારનું સન્માન પણ કરાશે. આમ અનેકવિધ પાસાઓને આવરી લેતી આ યાત્રા લોકોમાં આકર્ષણ જમાવશે. આપના ગામમાં રથ આવે ત્યારે આપે પણ હાજર રહીને આ સેવાનો લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર/
