
ગીર સોમનાથ, 2 ઓગસ્ટ (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજ રોજ વારાણસી, ઉતર પ્રદેશ ખાતે પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે. જેમાં પી.એમ.કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના ૫૨.૧૬ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ૧૧૧૮ કરોડની વધુની ૨૦માં હપ્તા સ્વરૂપે ડી.બી.ટી મારફતે સહાય આપવામાં આવશે.
આ કાર્યક્રમને સમાનાંતર વેરાવળમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ મંત્રી ભાનુબહેન બાબરીયાના અધ્યક્ષસ્થાને ડાભોર નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે સવારે ૯.૦૦ કલાકેથી જિલ્લા કક્ષાનો પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ યોજાશે.
વધુમાં ગીર સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા એ.પી.એમ.સી ખાતે, સૂત્રાપાડામાં પ્રાંસલી એ.પી.એમ.સી, કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે અને તાલાળામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો ખાતે ઉપસ્થિત રહી ખેડૂતો અને નાગરિકો જીવંત કાર્યક્રમ નિહાળી શકશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમનું દેશના તમામ રાજ્યોમાં જિવંત પ્રસારણ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમના ભાગરૂપે “ પી.એમ. કિસાન ઉત્સવ દિવસ નું આયોજન રાજયના તમામ જિલ્લા/તાલુકા/ગ્રામ પંચાયત કક્ષાએ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
