પણજી, નવી દિલ્હી, 26 ઓક્ટોબર (હિ.સ.) ગોવામાં ચાલી રહેલી 37 મી નેશનલ ગેમ્સમાં બુધવારે મહારાષ્ટ્રની વેઇટલિફ્ટર દીપાલી ઘુરસાલે એ, મહિલાઓની 45 કિગ્રા સ્નેચ અને ડેડલિફ્ટ કેટેગરીમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઘુરસાલે એ સ્નેચમાં 75 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 90 કિગ્રા સહિત કુલ 165 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
પશ્ચિમ બંગાળની ચંદ્રિકા તરફદારે કુલ 162 કિગ્રા લિફ્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો, જેમાં સ્નેચમાં 67 કિગ્રા અને 95 કિગ્રા સહિત ક્લીન એન્ડ જર્કમાં રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. ચંદ્રિકા યુથ વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં, મેડલ જીતનારી પ્રથમ ભારતીય છે. તેણે સપ્ટેમ્બર 2019 માં સ્લોવાકિયામાં કુલ 129 કિગ્રા વજન સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તેલંગાણાની ટી પ્રિયા પ્રિયદર્શિનીએ સ્નેચમાં 69 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 92 કિગ્રા સહિત કુલ 161 કિગ્રા વજન વર્ગ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ, દીપાલી હવે ઈન્ટરનેશનલ લેવલે ભારત માટે ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
ગોલ્ડ જીત્યા બાદ તેણે કહ્યું, મીરા દીદી (મીરાબાઈ ચાનુ) મારા આદર્શ છે અને તેમની જેમ હું પણ ઈન્ટરનેશનલ લેવલ પર ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા ઈચ્છું છું.
દીપાલી પ્રથમ વખત નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહી હતી અને તેણે પોતાના પ્રયાસોથી ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. તેણે વધુમાં કહ્યું કે, આ મારી પ્રથમ નેશનલ ગેમ્સ છે અને મેં મારા પ્રથમ પ્રયાસમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હું મારા પ્રદર્શનથી ખુશ છું.
યુવા વેઈટલિફ્ટર વધુમાં જણાવે છે કે, તે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાંથી આવે છે. આઠમા ધોરણથી વેઇટલિફ્ટિંગ શરૂ કરનાર દીપાલીએ કહ્યું કે, તેના પરિવારના સભ્યોએ તેને અહીં સુધી પહોંચવામાં ઘણી મદદ કરી છે. તેણે કહ્યું, મારા પરિવારના સભ્યોએ હંમેશા મને રમતગમતને લઈને ઘણો સપોર્ટ કર્યો છે. શાળામાં પણ અમારા કોચે અમને ખૂબ સારી તાલીમ આપી હતી અને તેથી જ આજે હું ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી છું.
છેલ્લા 13 વર્ષથી વેઈટલિફ્ટિંગ કરી રહેલી દીપાલીએ અત્યાર સુધીમાં જુનિયર લેવલ પર ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણીએ તેની સફળતા પાછળનુ રહસ્ય, સખત મહેનત, સંતુલન અને તેણીની આદર્શ મીરાબાઈ ચાનુને કહી. જ્યારે પૂછવામાં આવ્યું કે, તે પ્રેરિત રહેવા માટે શું કરે છે, ત્યારે તેણે કહ્યું, હું મારી જાત સાથે સ્પર્ધા કરું છું. હું શક્ય તેટલી મારી રમતમાં સુધારો કરવાનો પ્રયાસ કરું છું. હું ક્યારેય નકારાત્મક વિચારતી નથી. કદાચ આ જ કારણ છે કે મેં આજે સારું કર્યું.
તેણે કહ્યું, હવે હું મીરા દીદીની જેમ, આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા માંગુ છું અને આ મારું સપનું છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
