લંડન, નવી દિલ્હી, 25 ઓક્ટોબર (હિં.સ.) સમગ્ર વિશ્વમાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટની સતત વધતી જતી લોકપ્રિયતા વચ્ચે, પ્રથમ વખત ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે તેના ક્રિકેટરોને બહુ-વર્ષીય કેન્દ્રીય કરાર આપ્યા છે.
બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈસીબીએ ખેલાડીઓ વતી પ્રોફેશનલ ક્રિકેટર્સ એસોસિએશન અને ટીમ, ઈંગ્લેન્ડ પ્લેયર પાર્ટનરશીપ સાથે મળીને કામ કર્યું છે જેથી તમામ પક્ષો માટે વાજબી પરિણામ આવે.
18 ખેલાડીઓએ બહુ-વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જ્યારે વધુ આઠ ખેલાડીઓએ સામાન્ય વાર્ષિક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બોર્ડ દ્વારા વધુ ત્રણને ઈંગ્લેન્ડ ડેવલપમેન્ટ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે.
ઉભરતા સિતારા હેરી બ્રુક, ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન જો રૂટ અને ફાસ્ટ બોલર માર્ક વૂડે ત્રણ વર્ષના, કેન્દ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રથમ વખત છે જ્યારે બ્રુકને ઇસીબી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો છે. જોફ્રા આર્ચર, લિમિટેડ ઓવરના કેપ્ટન જોસ બટલર, વિકેટકીપર-બેટ્સમેન જોની બેયરસ્ટો, લેટેસ્ટ પેસ સેન્સેશન ગુસ એટકિન્સન એ 15 ખેલાડીઓમાં સામેલ છે. જેમણે બે વર્ષના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આશ્ચર્યની વાત એ છે કે, ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઈસીબી સાથે માત્ર 12 મહિનાનો કરાર કર્યો છે. સ્ટોક્સ ઉપરાંત, અનુભવી જેમ્સ એન્ડરસન અને ઓલરાઉન્ડર મોઈન અલી એ આઠ ખેલાડીઓમાં સામેલ છે, જેમણે વાર્ષિક કરાર કર્યા છે. ગયા વર્ષે ચૂકી ગયેલા દાઉદ મલાનને આ વખતે વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જો કે, ડેવિડ વિલી ચાલુ વન ડે વર્લ્ડ કપ માટે ટીમનો ભાગ હોવા છતાં તેને બહાર રાખવામાં આવ્યો છે.
મેથ્યુ ફિશર, સાકિબ મહમૂદ અને અનકેપ્ડ જ્હોન ટર્નર એ ત્રણ ખેલાડીઓ છે જેમને વિકાસ કરાર આપવામાં આવ્યો છે.
કરારબદ્ધ ખેલાડીઓની યાદી નીચે મુજબ છે-
ઈસીબી ના ત્રણ વર્ષના કેન્દ્રીય કરાર: હેરી બ્રૂક, જો રૂટ, માર્ક વુડ.
ઈસીબી ના બે વર્ષના કેન્દ્રીય કરાર: રેહાન અહેમદ, ગસ એટકિન્સન, જોની બેયરસ્ટો, જોસ બટલર, બ્રાઈડન કાર્સ, ઝેક ક્રોલી, સેમ કુરાન, બેન ડકેટ, લિયામ લિવિંગસ્ટોન, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, આદિલ રશીદ, જોશ ટોંગ, ક્રિસ વોક્સ.
ઈસીબી નો એક વર્ષનો કેન્દ્રીય કરાર: મોઈન અલી, જેમ્સ એન્ડરસન, બેન ફોક્સ, જેક લીચ, ડેવિડ માલન, ઓલી રોબિન્સન, બેન સ્ટોક્સ, રીસ ટોપલી.
ઈંગ્લેન્ડ વિકાસ કરાર: મેથ્યુ ફિશર, સાકિબ મહમૂદ, જોન ટર્નર.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
