મેલબોર્ન, નવી દિલ્હી, 8 ઓગસ્ટ (હિ.સ.). ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મુખ્ય કોચ ટિમ નીલસનને ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમના નવા કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ભારત અંડર-19 ટીમ સામેની ઘરેલુ શ્રેણીથી પોતાની નવી ભૂમિકા શરૂ કરશે. આગામી અંડર-19 વર્લ્ડ કપની તૈયારીઓની દ્રષ્ટિએ આ શ્રેણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ, ભારત સામેની શ્રેણી માટે 15 સભ્યોની ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણી સપ્ટેમ્બરથી બ્રિસબેન અને મેકાયમાં રમાશે, જેમાં ત્રણ 50 ઓવરની મેચ અને બે ચાર દિવસીય યુવા ટેસ્ટ મેચનો સમાવેશ થશે.
વનડે મેચ: 21, 24 અને 26 સપ્ટેમ્બરે બ્રિસબેનના ઇયાન હીલી ઓવલ ખાતે રમાશે, જ્યારે પહેલી યુવા ટેસ્ટ 30 સપ્ટેમ્બરથી બ્રિસબેનમાં રમાશે, બીજી યુવા ટેસ્ટ ૭ ઓક્ટોબરથી મેકેમાં રમાશે.
ઓલરાઉન્ડર ઓલિવર પીક ટીમનો ભાગ રહેશે નહીં
ઓલિવર પીકનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે તે જ સમયે ઓસ્ટ્રેલિયા એ ટીમ સાથે ભારતના પ્રવાસે જશે. પીકે ગયા વર્ષે ભારતમાં યુવા ટેસ્ટમાં સદી ફટકારી હતી અને તાજેતરમાં શ્રીલંકા એ સામે, ઓસ્ટ્રેલિયા એ માટે 92 રન બનાવીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે તે હજુ પણ આગામી વર્ષના અંડર-19 વર્લ્ડ કપ માટે લાયક છે, તેમ છતાં તેની વ્યસ્ત સ્થાનિક સિઝન અને બીબીએલ માં મેલબોર્ન રેનેગેડ્સ સાથેનો કરાર તેની પસંદગીને અનિશ્ચિત બનાવે છે.
ટિમ નીલસનની કોચિંગમાં વાપસી
57 વર્ષીય ટિમ નીલસન, 2007 થી 2011 સુધી ઓસ્ટ્રેલિયા સિનિયર ટીમના કોચ રહી ચૂક્યા છે અને તે પહેલાં તે જોન બુકાનનના સહાયક કોચ પણ રહી ચૂક્યા છે. તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પણ કોચિંગ કર્યું છે. તાજેતરમાં, તેઓ 2024 માં પાકિસ્તાનની ટેસ્ટ ટીમના ઉચ્ચ પ્રદર્શન કોચ બન્યા.
નીલસન હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વિકાસ ભૂમિકામાં પાછા ફર્યા છે, જ્યાં લોકલન સ્ટીવન્સના રાજીનામા પછી તેઓ આ ભૂમિકા સંભાળશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય વિકાસ વડા સોન્યા થોમ્પસને કહ્યું, અમે આ મલ્ટી-ફોર્મેટ પ્રવાસ દ્વારા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ આપવા અને તેમની કુશળતાને પડકારવા માટે ઉત્સાહિત છીએ. આ શ્રેણી આગામી અંડર-19 વર્લ્ડ કપ માટેની અમારી તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
તેમણે વધુમાં કહ્યું, ટિમ નીલસનનો અનુભવ, અમારી યુવા ટીમને ખૂબ ફાયદો પહોંચાડશે અને તેમનું નેતૃત્વ અમારી આગામી પેઢીના ખેલાડીઓને માર્ગદર્શન આપશે.
ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ (ભારત સામેની શ્રેણી માટે):
સાઈમન બઝ, એલેક્સ ટર્નર, સ્ટીવ હોગન, વિલ માલાજચુક, યશ દેશમુખ, ટોમ હોગન, આર્યન શર્મા, જોન જેમ્સ, હેડન શિલર, ચાર્લ્સ લેકમૂંડ, બેન ગાર્ડન, વિલ બાયરમ, કેસી બાર્ટન, એલેક્સ લી યંગ, જેડન ડ્રેપર.
રિઝર્વ ખેલાડીઓ: જેડ હોલિક, ટોમ પેડિંગ્ટન, જુલિયન ઓસ્બોર્ન.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
