કોલંબો, નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.) શ્રીલંકન ક્રિકેટ બોર્ડે બુધવારે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી માટે તેની 17-સભ્ય ટીમની જાહેરાત કરી હતી. જેમાં કુસલ મેન્ડિસ 50-ઓવરના ફોર્મેટમાં રાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ ચાલુ રાખશે. તેમના ડેપ્યુટી તરીકે, ચરિથ અસલંકા હશે. દાસુન શનાકા જાંઘની ઈજાને કારણે, 2023 વિશ્વકપમાં મોટાભાગની રમત ગુમાવ્યા બાદ વન-ડે ટીમમાં પાછો ફર્યો છે.
વાનિન્દુ હસરંગા, જેને તાજેતરમાં શ્રીલંકાના ટી-20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તે વન-ડે ટીમનો ભાગ છે, પરંતુ તેની ભાગીદારી ફિટનેસ પર નિર્ભર છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે આ લેગસ્પિનર, વર્લ્ડ કપમાં રમી શક્યો ન હતો. શ્રીલંકા તરફથી છેલ્લે 2021માં રમનાર સ્પિનર અકિલા ધનંજય પણ ટીમમાં પરત ફર્યો છે.
ઝિમ્બાબ્વે સામે ત્રણ વનડે મેચ 6, 8 અને 11 જાન્યુઆરીએ રમાશે. આ પછી 14, 16 અને 18 જાન્યુઆરીએ ત્રણ ટી-20 મેચ રમાશે. કોલંબોનું આર પ્રેમદાસા સ્ટેડિયમ તમામ મેચોનું આયોજન કરશે.
શ્રીલંકાની વન-ડે ટીમ આ પ્રમાણે છેઃ કુસલ મેન્ડિસ (કેપ્ટન), ચરિથ અસલંકા (વાઈસ-કેપ્ટન), પથુમ નિસાન્કા, અવિશ્કા ફર્નાન્ડો, સાદિરા સમારાવિક્રમા, સહાન અરાચિગે, નુવાનિદુ ફર્નાન્ડો, દાસુન શનાકા, ઝેનિથ લિયાનાગે, મહિશ થીક્ષાના, દિલશાન મદુશંકા, ડુનીથ વેલાલાગે, પ્રમોદ મદુશન, જેફરી વેંડરસે, અકિલા ધનંજય, વાનિન્દુ હસરંગા (ફિટનેસને આધીન).
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
