દુબઈ, નવી દિલ્હી, 20 ડિસેમ્બર (હિ.સ.) જેએસડબ્લ્યુ-જીએમઆર સહ-માલિકીની દિલ્હી કેપિટલ્સે મંગળવારે, દુબઈમાં આઈપીએલના મિની-ઓક્શન 2024માં તેમની ટીમમાં રોમાંચક ફેરફારો કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ હાર્ડ-હિટિંગ હેરી બ્રુકને રૂ. 4 કરોડમાં, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને રૂ. 5 કરોડમાં અને વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર-બેટ્સમેન શાઈ હોપને રૂ. 75 લાખમાં ખરીદ્યા હતા. દિલ્હી કેપિટલ્સે પણ અનકેપ્ડ ભારતીય વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગ્રને રૂ. 7.2 કરોડમાં ખરીદ્યો હતો.
જ્યારે આઈપીએલ 2024 માટે, દિલ્હી કેપિટલ્સની ટીમ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, મુખ્ય કોચ રિકી પોન્ટિંગે કહ્યું, અમે જે ખામીઓ ભરવા માંગતા હતા, તે અમે ભરી દીધી એવુ મને લાગ્યું કે, અમે હરાજીના ટેબલ પર ખૂબ સારું કામ કર્યું છે. હું હેરી બ્રુક સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું. તે આ ક્ષણે સૌથી પ્રતિભાશાળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોમાંનો એક છે. તે આ વર્ષની હરાજીમાં, અમારી પ્રથમ નંબરની પ્રાથમિકતા હતી અને અમે તેને મોટી કિંમતે મેળવવામાં સફળ રહ્યા.”
દરમિયાન, દિલ્હી ક્રિકેટ ડિરેક્ટર સૌરવ ગાંગુલીએ કહ્યું, હું શાઈ હોપને લઈને ઉત્સાહિત છું. તે સ્પિનનો સારો ખેલાડી છે અને 50 ઓવરના ક્રિકેટમાં, તેનો ઉત્તમ રેકોર્ડ છે. અમારું બોલિંગ વિભાગ આક્રમણમાં ઝાય રિચર્ડસન સાથે સારું લાગે છે.
દિલ્હી કેપિટલ્સે દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સને 50 લાખ રૂપિયામાં ખરીદ્યો. 23 વર્ષના આ ખેલાડીએ, 59 ટી-20માં 147.23ના સ્ટ્રાઈક રેટથી 1119 રન બનાવ્યા છે.
અનુભવી વિકેટકીપર-બેટ્સમેન રિકી ભુઈને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 62 ટી-20માં 32.54ની એવરેજથી 1497 રન બનાવ્યા છે.
ગુજરાત ટાઇટન્સ સાથેના સખત બિડિંગ યુદ્ધ પછી, દિલ્હી કેપિટલ્સે વિકેટકીપર-બેટ્સમેન કુમાર કુશાગરાને રૂ. 7.2 કરોડમાં ખરીદ્યો. તેણે 11 ટી20માં આઠ કેચ અને એક સ્ટમ્પિંગ કર્યું છે. કુશાગરા વિશે વાત કરતાં, સહાયક કોચ પ્રવીણ આમરેએ કહ્યું, દિલ્હી કેપિટલ્સે, હંમેશા યુવાનોને પ્લેટફોર્મ આપ્યું છે. અમે ઋષભ પંત, પૃથ્વી શો અને શ્રેયસ અય્યર જેવા, ખેલાડીઓને ટી-20 ક્રિકેટ રમવાનું શરૂ કરતા પહેલા સમર્થન આપ્યું છે. અને કુમાર અન્ય ખેલાડી છે, જેને અમે પસંદ કર્યો છે. આશા છે કે, તે અમારા માટે કામ કરશે.
આ દરમિયાન મીડિયમ પેસર રસિક ડારને, 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 15 ટી20માં 27.66ની એવરેજથી 15 વિકેટ લીધી છે અને 85 ટી20માં 21.58ની એવરેજથી 112 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસનને 5 કરોડ રૂપિયામાં પસંદ કરવામાં આવ્યો હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ગહન બોલી યુદ્ધ પછી, ભારતીય ઓલરાઉન્ડર સુમિત કુમારને 1 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. તેણે 45 ટી-20માં 574 રન બનાવ્યા છે અને 43 વિકેટ લીધી છે.
દિલ્હી કેપિટલ્સે વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપર-બેટ્સમેન શાઈ હોપને પણ, 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 91 ટી20માં 2132 રન બનાવ્યા છે અને 40 કેચ અને 8 સ્ટમ્પિંગ કર્યા છે. આ દરમિયાન ઓપનિંગ બેટ્સમેન સ્વસ્તિક ચિકારાને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે 6 લિસ્ટ એ મેચમાં, 200 રન બનાવ્યા છે.
દિલ્હી કેપિટલ્સ ટીમ- ભારતીય: ઋષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, પૃથ્વી શો, ખલીલ અહેમદ, લલિત યાદવ, પ્રવીણ દુબે, મુકેશ કુમાર, યશ ધુલ, વિકી ઓસ્ટવાલ, અભિષેક પોરેલ, રિકી ભુઈ, કુમાર કુશાગ્ર, રસિક ડાર, સુમિત કુમાર અને સ્વાસ્તિક ચિકારા.
વિદેશી: ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, એનરિચ નોર્ટજે, લુંગી એનગિડી, હેરી બ્રૂક, ટ્રીસ્ટન સ્ટબ્સ, ઝાય રિચર્ડસન અને શાઈ હોપ.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
