સુરત,ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરની અધ્યક્ષતામાં પોલીસ કમિશનર કચેરીના કોન્ફરન્સ હોલમાં સુરત શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ કમિશનરએ ટ્રાફિક નિયમ પાલન માટે લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ પ્રકારના સઘન કાર્યક્રમો કરવા અંગે પણ વિગતે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે,શહેર ટ્રાફિક પોલીસ નાગરિકોની સલામતી અને રોડ પરની સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહી છે.
રોડ અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિઓને મદદ કરી માનવતા દાખવનાર સેવાભાવી વ્યક્તિઓ (ગુડ સમરીટન)ને પ્રોત્સાહિત અને સન્માનિત કરવા પર ભાર મૂક્યો હતો. પોલીસ કમિશનરશ્રીએ શહેરના રસ્તાઓ પર વાહનચાલકોની આંખોનું રેન્ડમલી ચેક અપ (આઈ સાઈટ ચેકિંગ) કરવાનું અને ઓછી દ્રષ્ટિવાળા વાહનચાલકોને સ્થળ પર ચશ્મા આપવા રચનાત્મક સૂચન કર્યું હતું, જેથી ઓછી દ્રષ્ટિ ધરાવતા વાહનચાલકો અકસ્માતનો ભોગ ન બને અનેઅન્યને પણ અકસ્માતથી બચાવી શકાય. 108 સેવાની કામગીરીની ચર્ચા દરમિયાન 108 એમ્બ્યુલન્સના પ્રતિનિધિએ માર્ગ અકસ્માતોમાં ત્વરિત ઘટનાસ્થળે પહોંચનાર આરોગ્ય સંજીવની સમાન આ સેવા ઘાયલો કે મદદની જરૂરિયાત ધરાવતા વ્યક્તિ સુધી સરેરાશ 11 મિનીટ અને ૫૨ સેકન્ડમાં પહોંચે છે એમ જણાવ્યું હતું.
આ ઉપરાંત, ગત ૫મી માર્ચે ગાંધીનગર ખાતે ગૃહ, વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કાઉન્સિલોને ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-2023 એનાયત કરાયા હતા, જેમાં સિટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, ત્યારે મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરને રૂ.1.25 લાખની સન્માન રાશિ અને શિલ્ડ એનાયત કરાયા હતા. આ સિદ્ધિ બદલ આજે વાબાંગ જમીરે સુરત રોડ સેફ્ટી કાઉન્સિલના તમામ સભ્યોનો પરસ્પર સહયોગથી એવોર્ડ હાંસલ કરવામાં યોગદાન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રખડતા પશુઓ મામલે ચર્ચા દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીએ આ અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી, જેમાં મનપા દ્વારા ગત માસમાં 298 રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા, તેમજ ઢોરમાલિકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું. વધુમાં ફેબ્રુઆરી મહિના દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર 145 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરવાની કામગીરી આર.ટી.ઓ કચેરી દ્વારા કરવામાં આવી હતી, જેમાં ભયજનક ડ્રાઈવિંગ કરતા ૫૩ વાહનચાલકોનો સમાવેશ થાય છે એમ આ.ટી.ઓ. અધિકારી આકાશ પટેલે જણાવ્યું હતું.
