
ગાંધીનગર,02 ફેબ્રુઆરી : આજે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરી રહ્યા છે. તેઓ બ્લેક એન્ડ ગોલ્ડ કલરની બ્રિફકેસ સાથે વિધાનસભા પહોંચ્યા હતા. કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે, જેમાં 2047નો રોડમેપ નક્કી કર્યો છે. ગરવી, ગ્રીન, ગ્લોબલ, ગતિશીલ અને ગુણવંત ગુજરાતના સપના એમ 5-G નું મુખ્યમંત્રી નું સ્વપ્ન છે. ગુજરાતનું આ વર્ષના બજેટનું કદ 3,32,465 કરોડનું છે. નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે.
નાણામંત્રી કનુ એ જણાવ્યું હતું કે અમારા માટે સરકાર માટે સુશાસન એટલે રામરાજ્ય, રાજ્યમાં નવી 2500 બસ શરૂ કરવામાં આવશે. 2047 સુધી ગુજરાતની અર્થ વ્યવસ્થા હાલની 0.28 ટ્રિલિયન યુએસ ડોલરથી 3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્ય છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના પાંચ સ્તંભ છે. નમો સરસ્વતી યોજનામાં સાયન્સમાં અભ્યાસ કરતી ગરીબ-મધ્યમ વર્ગની વિદ્યાર્થિનીઓને ધો. 11માં 10 હજાર, ધો. 12માં 15 હજાર સહાય આપવામાં આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
