




ગાંધીનગર, 30 ડિસેમ્બર (હિ.સ.): આગામી તા. 10 થી 12 જાન્યુઆરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાનાર છે. જે અંતર્ગત પ્રિ-વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે મેરેથોન દોડ “રન ફોર ગાંધીનગર”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેરેથોન દોડમાં ૧૦ કિ.મી. સુધીનો રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં ગ-૦ સર્કલ (આરટીઓ) થી ગ-૫ અને ગ-૫ થી ગ-૦ સર્કલ સુધીની ૧૦ કિ.મી.ની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સવારે ૭:૦૦ વાગ્યાથી દોડ શરૂ કરવામાં આવી હતી. જેમાં અંદાજિત ૨૫૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મેરેથોન દોડના સમગ્ર રૂટ પર ૧ કિ.મી.ના અંતરે મેડિકલ ટીમ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
આ મેરેથોન દોડમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી-શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફોર્સ વન ડિફેન્સ એકેડમી, ધાકડ ટ્રેનિંગ સેન્ટર, બલિદાન ડિફેન્સ એકેડમી તેમજ ફિડા ટ્રેનિંગ સેન્ટરના લોકો જોડાયા હતા. પ્રથમ, દ્વિતિય અને તૃતીય આવનાર બંને કેટેગરીના ૬ લોકોને ફોર્સ વન ડિફેન્સ એકેડમી દ્વારા તેમના ત્યાં ચાલતા હોર્સ રાઇડિંગ તેમજ ફિજીકલની તમામ તૈયારી માટે આજીવન ફ્રી સેવા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.અંદાજિત ૨૫૦૦ લોકોએ ભાગ લીધો. આ મેરેથોનમાં 9 વર્ષની દીકરીએ પ્રથમ નંબર મેળવ્યો હતો તેમજ દિવ્યાંગ વ્યક્તિ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ ઇવેન્ટમાં ગુજરાતના વિવિધ શહેરો માંથી દોડવીરો જોડાયા હતા.
આ મેરેથોન દોડમાં ભાગ લેનાર વિજેતાને રોકડ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં પુરુષ અને મહિલા એમ બન્ને કેટેગરીના પ્રથમ વિજેતાને રૂ.૫૧,૦૦૦ નું ઇનામ, દ્વિતીય વિજેતાને ૨૧,૦૦૦ નુ ઇનામ અને તૃતીય વિજેતાને ૧૧,૦૦૦ હજારનું ઇનામ આપવામાં આવ્યુ હતુ. પુરુષમાં પ્રથમ વિજેતા – વિશાલ મકવાણા, દ્વિતીય વિજેતા – શ્રીકાંત યાદવ , તૃતીય વિજેતા – મેવાડા ધર્મેશ. મહિલા વિજેતામાં રાવલ પ્રિયાંશી અનિલકુમાર (૯-વર્ષ), દ્વિતીય વિજેતા-પટેલ દિવ્યા રાજીવભાઇ, તૃતીય વિજેતા-અર્પિતા કેતન પંડ્યા. આ મેરેથોન દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મહાનગરપાલિકા તરફથી સ્થળ પર જ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર હિતેશભાઈ મકવાણા, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, કોર્પોરેટરઓ, મહાનગરપાલિકાના કમિશનર જે. એન. વાઘેલા, ડે.મ્યુ.કમિશનર કેયુર જેઠવા, ડે.મ્યુ.કમિશનર જે. એમ. ભોરણીયા, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ અભિષેક બારડ/માધવી
