-વિદેશી બાયર્સ સુરત આવે અને સુરતના ઉદ્યોગ સાહસિકો – વેપારીઓ પોતાની પ્રોડકટ તેઓને એક્ષ્પોર્ટ કરી શકે તે હેતુથી સુરત ખાતે બાયર્સ – સેલર્સ મીટ ગોઠવવા ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઇઝેશનના તત્કાલિન પૂર્વ ઉપ પ્રમુખ સાથે ચર્ચા કરાઇ
સુરત, 18 જાન્યુઆરી(હિ. સ.). ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને મિશન ૮૪ના સીઈઓ પરેશ ભટ્ટ સહિત ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાતની મુલાકાત દરમ્યાન તા. ૧૦થી ૧ર જાન્યુઆરી ર૦ર૪ દરમ્યાન ગાંધીનગર ખાતે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO)ના બોર્ડ મેમ્બર તેમજ તત્કાલિન પૂર્વ ઉપ પ્રમુખ ખાલિદ ખાન સાથે મુલાકાત કરી હતી.
ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયાએ FIEOના બોર્ડ મેમ્બર તેમજ તત્કાલિન પૂર્વ ઉપ પ્રમુખ ખાલિદ ખાનને SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪થી વાકેફ કર્યા હતા અને તેની સાથે જોડાવા માટે તેઓને અનુરોધ કર્યો હતો. તેમણે મિશન ૮૪ની પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત ઇન્ટરનેશનલ ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલની સાથે ભારતના ૮૪,૦૦૦ ઉદ્યોગકારો અને વિશ્વના જુદા–જુદા દેશોના ૮૪,૦૦૦ બિઝનેસમેનોને ઓનબોર્ડ કરવામાં આવી રહયા છે. એવી રીતે ભારતની ૮૪ ચેમ્બર ઓફ કોમર્સને તથા ૮૪ દેશોની ચેમ્બર ઓફ કોમર્સને પણ આ પોર્ટલ પર લાવવા મિટીંગો થઇ રહી છે. તદુપરાંત ભારતમાં કાર્યરત ૮૪ દેશોના કોન્સુલ જનરલ તેમજ વિશ્વના ૮૪ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા એમ્બેસેડર્સને પણ આ પોર્ટલ પર ઓનબોર્ડ કરવા માટે મિટીંગો થઇ રહી છે. જે અંતર્ગત ભારતમાં કાર્યરત જુદા–જુદા દેશોના કોન્સુલ જનરલો સાથે કરવામાં આવી રહેલી મિટીંગોથી પણ ચેમ્બર પ્રમુખે તેઓને વાકેફ કર્યા હતા. વધુમાં ચેમ્બર પ્રમુખે તેમને મિશન ૮૪ અંતર્ગત સુરતના ઉદ્યોગ સાહસિકો અને
વેપારીઓ સાથે વન ટુ વન બિઝનેસ મીટ કરવા હેતુ સુરત પધારવા આમંત્રણ આપ્યું હતું. વિદેશથી બાયર્સ આવે અને સુરતના ઉદ્યોગ સાહસિકો અને વેપારીઓ સેલર્સ તરીકે તેઓને પોતાની પ્રોડકટ એક્ષ્પોર્ટ કરી શકે તે દિશામાં પ્રયાસના ભાગ રૂપે સુરત ખાતે બાયર્સ – સેલર્સ મીટનું આયોજન કરવા માટે ચેમ્બર પ્રમુખે FIEOના તત્કાલિન પૂર્વ ઉપ પ્રમુખ ખાલિદ ખાનને અનુરોધ કર્યો હતો, જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત સુરતમાં એક્ષ્પોર્ટર્સ મીટ કરવા, બેસ્ટ એક્ષ્પોર્ટર્સને એવોર્ડ્સ આપી તેઓને પ્રોત્સાહિત કરવા હેતુ કાર્યક્રમ કરવા, એક્ષ્પોર્ટ કરતા નિકાસકારોને વધુ એક્ષ્પોર્ટ માટે માર્ગદર્શન આપવા, એક્ષ્પોર્ટ કરવા ઇચ્છતા નવા વેપારીઓને એક્ષ્પોર્ટ કરવા માર્ગદર્શન આપવા માટે અને FIEOની સુરત ચેપ્ટરની ઓફિસ સુરતમાં શરૂ કરવા બાબતે તેમની સાથે મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તે માટે કાર્યક્રમોનું આયોજન કરવા બંને પક્ષે સહમતિ સધાઇ હતી.
FIEOના બોર્ડ મેમ્બર તેમજ તત્કાલિન પૂર્વ ઉપ પ્રમુખ ખાલિદ ખાને ચેમ્બર ઓફ કોમર્સના મિશન ૮૪ને તમામ સહયોગ આપવાની સંપૂર્ણ ખાતરી આપી હતી. આ ઉપરાંત સુરત ખાતે બાયર્સ – સેલર્સ મીટનું આયોજન થાય તે માટે તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેમ તેમણે ચેમ્બર પ્રમુખને જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/ બિનોદ
