રાજકોટ/અમદાવાદ,26 માર્ચ સુરેન્દ્રનગર પાસે ચોટીલા-રાજકોટ હાઇવે ઉપર રાત્રે એમ્યુલન્સ અને ટ્રક અકસ્માતની ગોઝારી ઘટના બની. અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા છે.આ અકસ્માતમાં ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમના બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા
ગત રાત્રે સાડા દસ વાગ્યા આજુ બાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતા કાજલ હરેશભાઈ મકવાણા ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યા હતા. ત્યારે તેમના રાજકોટ રહેતા બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યા હતા. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું.
આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી કાજલ હરેશ મકવાણા અને સાથે તેમની દીકરી પાયલ હરેશ મકવાણા અને તેમના મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યા હતા.
ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક સાઈડનો કૂચડો બોલી ગયો હતો. સ્થાનિકોએ 108ને જાણ કરતાં 108ની મદદથી બધા દર્દીઓને ચોટીલા રેફરલ હોસ્પિટલ લાવવામાં આવતા ફરજ પરના ડોકટરે ગીતાબેન જયેશ મિયાત્રાને મૃત જાહેર કર્યા હતા. તેમજ પાયલ હરેશ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવા બાવળિયાને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યા હતા.
