અંબાજી 07 ફેબ્રુઆરી : બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર વરુણકુમાર બરણવાલ તેમજ માં શ્રવણ વાણી મૂક બધિર વિદ્યાલય પાલનપુરના સંયુક્ત ઉપક્રમે મમતા મંદિર હોલ ખાતે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બનાસકાંઠા, પાલનપુર, એચ.કે. ગઢવીએ દિવ્યાંગ લોકો વધુમાં વધુ મતદાન કરે અને પોતાના મતનો ઉપયોગ કરી જાગૃત મતદાતા બને એવી અપીલ કરી હતી. સમાજ સુરક્ષા અધિકારી મનીષભાઈ જોશીએ દિવ્યાંગજનો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વને સાચા અર્થમાં મનાવે તેવું જણાવી સરકારી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ આર્થિક પગભર બનવા આહવાન કર્યું હતું.
જ્યારે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પરેશભાઈ રાવલ, ભીખાભાઈ સેનમા, ભગાજી વિસાતાર, ભુપેન્દ્રભાઈ રાઠોડ વગેરે દિવ્યાંગ કલાકારોએ દિવ્યાંગ મતદારોને પોતાની વિશિષ્ઠ શૈલીમાં મતદાન કરવા જણાવ્યું હતું. તેમજ એમ.ડી.વી. વાન દ્વારા ઇ.વી.એમ નિદર્શન કરાવી હાજર દિવ્યાંગ મતદારોને ઇ.વી.એમ મશીનથી મતદાન કરવા માટેની સમજ આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતે તમામ દિવ્યાંગ મતદાતાઓ દ્વારા સો ટકા મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
