નાગપુર, નવી દિલ્હી, 07 ફેબ્રુઆરી : બુધવારે બપોરે નાગપુરના ગણેશપેઠ વિસ્તારમાં રાજ્ય પરિવહન નિગમના સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર એક જીવતો બોમ્બ મળ્યો હતો. આ બોમ્બ ગઢચિરોલીથી આવતી બસમાં મૂકવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે બોમ્બને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યા બાદ મોટી ઘટના ટળી હતી.
ગણેશપેઠ પોલીસ સ્ટેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ બોમ્બ ગઢચિરોલીથી નાગપુર પહોંચેલી બસ (એમએચ 40 વાય 5097)માં મૂકવામાં આવ્યો હતો. નાગપુર પહોંચ્યા બાદ, લગભગ તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. આ પછી કંડક્ટરે બસમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ જોઈ. બસ કંડક્ટરે તરત જ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. આ પછી તરત જ સ્થાનિક પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનની ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી હતી. ગઢચિરોલીથી નાગપુર પહોંચેલી આ બસને એક ખુલ્લી જગ્યામાં બાજુ પર લઈ જવામાં આવી હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે બોમ્બને સફળતાપૂર્વક નિષ્ક્રિય કર્યો હતો.
