
જૂનાગઢ/અમદાવાદ,26 જાન્યુઆરી : ભારતમાં 75મો પ્રજાસત્તાક પર્વ ઉજવાઇ રહ્યો છે. જૂનાગઢના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજ્યના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાઇ હતી. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વંજવંદન બાદ શાળા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. તો સાથે ગુજરાત પોલીસના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા દિલધડક બાઈક સ્ટંટ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસના 256 જવાનો 512 મશાલ સાથે ભવ્ય અને દર્શનીય મશાલ પીટી કાર્યક્રમ રજૂ કરવામાં આવી રહ્યો છે. આ સાથે અશ્વ શો, ડોગ શો, મલખમ, બાઈક સ્ટંટ શો સહિતના કાર્યક્રમમાં પણ યોજાયા છે. આ મશાલ પીટી કાર્યક્રમમાં પોલીસ જવાનો બંને હાથમાં મશાલ પકડીને ‘ગુજરાત પોલીસ’, ‘વેલકમ ‘, ‘જય શ્રી રામ’ જેવા શાબ્દિક ફોર્મેશન બનાવશે, જે રાત્રિના સમયે નિહાળવા દર્શનીય બની રહેશે.
આ ઉપરાંત લાઈટિંગ આધારિત અશ્વ શો, ડોગ શો, બાઈક સ્ટંટ શો યોજવામાં આવશે. પોલીસ પરિવારના બાળકો દ્વારા ખાસ મલખમ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જુડો કરાટેનું પણ સુંદર નિદર્શન કરવામાં આવ્યુ છે. આ સાથે બ્રાસ બેન્ડ અને પાઇપ બેન્ડ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે.
