સુરત,18 ઓક્ટોબર પાંડેસરાના તેરેનામ ચોકડી નજીક જય અંબે સોસાયટીમાં રહેતા અને વેલ્ડીંગ કામ કરી ગુજરાન ચલાવતા કુલદીપ શર્માનો 12 વર્ષીય પુત્ર આદિત્ય ઘર પાસે બેઠો હતો ત્યારે ત્રણથી ચાર અજાણ્યા ઘસી આવ્યા હતા. આ તમામે ચપ્પુ વડે હુમલો કરી છાતી, પેટ, પીઠ વિગેરે ભાગે 14 જેટલા ઘા ઝીંકી ભાગી ગયા હતા. લોહીથી લથબથ હાલતમાં આદિત્યને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજયું હતું.
ઘર નજીક બેસેલા તરૂણ ઉપર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાત ઉતારવાની ઘટનાને પગલે પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે મૃતકના પિતા કુલદીપે આક્ષેપ કર્યો છે કે આદિત્ય ઘરની બહાર કચરો નાંખવા ગયો ત્યારે અંધારામાં એક યુવક અને યુવતી ઉભા હતા. જેની ઉપર નજર પડતા વેંત યુવતીએ યુવકને કહ્યું હતું કે ઉસ્કો ખતમ કર દો. ત્યાર બાદ યુવકે તેના મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો. જેથી હાલમાં પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે.
