બોટાદ, 15 જાન્યુઆરી(હિ. સ.). બોટાદ જિલ્લામાં ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ ગઢડા(સ્વા.) ખાતે N.S.S. વિભાગ, ગ્રંથાલય વિભાગ અને સપ્તધારા આયોજિત સામુદાયિક સેવાધારા અંતર્ગત આજરોજ “યુવાઓ, સેવાભાવ અને ઇતિહાસ” વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા કવિશ્રી બોટાદકર કૉલેજના ભૂતપૂર્વ અદ્યાપકશ્રી ડૉ. રમેશભાઈ પંડયા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વકતાશ્રીએ ભારતનો ભવ્ય વારસો અને ઇતિહાસ, ભારતીય દ્રષ્ટિએ ભારતનો ઇતિહાસ, ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ, સ્વામી વિવેકાનંદ અને તેના કાર્યો, નેક નામદાર મહારાજાશ્રી કૃષ્ણકુમારસિંહજી અને ભાવનગરનું લોકશાહીમાં પ્રદાન, ‘ગઢપુરનો ઇતિહાસ’ અને ‘મુઠી ઉછેરા માનવી, રાજરત્ન મોહનલાલ મોતીચંદ શેઠ ગઢડા વાળા’ વગેરે વિષયો આવરી લઈને યુવાઓને વાત કરી હતી. સાથે સાથે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહર લાલ નહેરુ, દુલાભાયા કાગ અને મોહનભાઇ શેઠ વગેરેની હ્રદય સ્પર્શી અને રસપ્રદ પ્રસંગોની વાતો કરી તેમના સમાજસેવા અને લોકસેવાના કાર્યોને બિરદાવ્યા હતા. શ્રીજી મહારાજને યાદ કરી શ્રેષ્ઠ ભક્તનું ઉદાહરણ ભક્તરાજ દાદા ખાચર અને ગઢપુરના ભવ્ય વારસાને યાદ કર્યો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પન્ડયાસર દ્વારા વિદ્યાર્થીઓને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા.
અત્રેની કૉલેજના આચાર્યશ્રી ડૉ. હિંમતભાઈ સેંજલિયા દ્વારા વકતાશ્રીનું શાબ્દિક સ્વાગત કરી વિદ્યાર્થીઓને વર્તમાન જીવનમાં સ્વામી વિવેકાનંદના વિચારોની પ્રાસંગિકતા ધ્યાનમાં રાખી સમાંજપયોગી સાર્થક જીવન જીવવા યુવાઓને અનુરોધ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સપ્તધારા કો-ઓર્ડીનેટર ડૉ. વિષ્ણુ જોગરાણા દ્વારા થયું હતું. અને કાર્યક્રમનું આયોજન NSS કો-ઓર્ડીનેટર ડૉ. વિરેનકુમાર પંડયા અને ગ્રંથાલય વિભાગના અધ્યક્ષ શ્રી ચંદ્રેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આભારવિધિ NSS કો-ઓર્ડીનેટર ડૉ. વિરેનકુમાર પંડયા દ્વારા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોમર્સ વિભાગના અદ્યાપક IQAC કો-ઓર્ડીનેટર અશોકકુમાર બીહોલા, પ્રા. હિતેશ મોરી, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. અરવિંદ લાણિયા અને બી. જે. બોરિચા, ઇતિહાસ વિભાગના પ્રા. અમિત રાણા, સંસ્કૃત વિભાગના પ્રા.ભૂમિ સોલંકી, ગુજરાતી વિભાગના પ્રા.ભૂમિ પંડયા, કૉમર્સ વિભાગના પ્રા.ભાવેશ ઝાપડીયા, શારીરિક શિક્ષણ વિભાગના અદ્યાપક ડૉ. ચંદ્રકાંત ગોહેલ તથા કૉલેજના વિદ્યાર્થીઓએ સાથે મળીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ પ્રકાશ સોલંકી/બિનોદ
