
સુરત,10 નવેમ્બર (હિ.સ.) સુરતમાં ફરી એકવાર ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર રૂ.50,000ની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટરએ છેતરપિંડીના કેસની તપાસમાં ફરિયાદી પાસે 50,000ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBની ટીમે સુરતના આ લાંચિયા PSIને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો.
સુરતના માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જે.કે.મૂળિયાની દિવાળી બગડી છે. વિગતો મુજબ છેતરપિંડીના એક કેસની તપાસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે.મૂળિયાએ ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા રૂ.50,000ની લાંચ માંગી હતી. આ તરફ ફરિયાદી એક જાગૃત નાગરિક તરીકે લાંચ આપવા માંગતા ન હોઇ તેમણે ACBને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદમાં ACBની ટીમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે.મૂળિયાને રૂ.50,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આ તરફ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
